• Gujarati News
  • Finger Prints Found In Thousands Of Families Were Deprived Of Rationing Baggage

ફિંગર પ્રિન્ટ ન મળતા હજારો પરિવાર રેશનિંગના સામાનથી વંચિત થયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ફિંગર પ્રિન્ટ ન મળતા હજારો પરિવાર રેશનિંગના સામાનથી વંચિત થયાં
-ઘરના દરેક સભ્યના ફિંગરપ્રિન્ટ લેવાની કલેક્ટરે જાહેરાત કરી
-ગુજરાન ચલાવવામાં પડતી મુશ્કેલીથી થાકેલી મહિ‌લાઓને કલેકટર કચેરીમાં હંગામો મચાવ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં બારકોડેડ રેશનકાર્ડ આપ્યા બાદ ફિંગરપ્રિન્ટનો મામલો કાર્ડ ધારક માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. જેના પરિણામસ્વરૂપે કલાકો સુધી લાંબી લાઇનમાં તપ્યા બાદ પણ ફિંગરપ્રિન્ટ ન મળવાથી સુરેન્દ્રનગરમાં હજારો પરિવાર હજુ રાશનના સામાનથી વંચિત છે. ત્યારે ધીરજ ખૂટતા રોષે ભરાયેલી મહિ‌લાઓ કલેકટર કચેરીમાં દોડી આવીને હંગામો મચાવતા અહીં સ્થિતિ તંગ બની ગઇ હતી. રેશનીંગના સામાનની ફાળવણીમાં કેટલાક પરવાનેદારો ગોલમાલ કરતા હતા. અને ગરીબોના હક્કનો સામાન બારોબાર વગે કરી દેતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી ચૂકી છે.
ત્યારે આ સમસ્યાના હલ માટે સરકારે બારકોડેડ રેશનકાર્ડ બનાવી ચીજ વસ્તુ આપતા પહેલા ફિંગરપ્રિન્ટ તથા કૂપનની સહિ‌તની કાર્યવાહીમાંથી પસાર થવુ પડે છે. પરંતુ ફિંગરપ્રિન્ટ અને કૂપન મેળવવાની કાર્યવાહી કાર્ડ ધારક માટે અભિમન્યુના સાત કોઠા વીંધવા સમાન બની જતા સુરેન્દ્રનગરમાં રેશનીંગના સામાનને લઇને હોબાળો મચી ગયો છે. ફિંગરપ્રિન્ટ ન મળતા રોષે ભરાયેલી મહિ‌લાઓ કલેકટર કચેરીમાં દોડી આવી હતી. મહિ‌લાઓએ રજૂઆત કરતા જણાવ્યુ કે, સવારથી જ ફિંગરપ્રિન્ટ મેળવવા લાઇનોમાં ઉભા હતા. જયારે વારો આવ્યો ત્યારે ફિંગર ન મળતા તમારા ફિંગર મળતા નથી, તમને રેશનનો સામાન નહી મળે તેવુ કહી કાઢી મૂકવામાં આવે છે.
જે લોકો કાર્ડમાં મુખ્ય નામ ધરાવતા હતા તેવા લોકોના પણ કૂપન ન મળતા ફિંગરપ્રિન્ટ લેવાની કામગીરીમાં લોલમલોલ અને પોલમપોલ હોવાની વિગતનો ભાંડો ફૂટયો હતો. ઉપરાંત ફિંગર પ્રિન્ટ માટે ઘરના વડાને જ હાજર રહેવા તઘલખી ફરમાન જાહેર કરવામાં આવ્યુ છે. જેથી મહિ‌લાઓમાં અસંતોષ સાથે રોષ ફેલાયો હતો. રેશનના સામાનથી વંચિત રહેતા કેટલાક પરિવારના ઘરનો ચૂલો ન પ્રગટે તેવી સ્થિતિ સર્જા‍ય તેમ હોય આ સમસ્યાનો તાકિદે હલ કરવા લોકોએ જિલ્લા કલેકટર કે.કે.નિરાલાને રજૂઆત કરી હતી. આથી અધિક કલેકટર એમ.બી.પટેલ તથા પુરવઠા ઇન્સપેકટર કે.આર.પરમારને બોલાવી પ્રશ્ન હલ કરવા જણાવ્યુ હતુ.
ઘરના તમામ સભ્યોના ફિંગર લેવાશે : કલેકટર નિરાલા
લોકોની સમસ્યાના હલ માટે પ્રથમ તો દરેક રેશનકાર્ડની દુકાને જ ફિંગરપ્રીન્ટ લેવાની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત એક વ્યકિતના ફિંગરના લીધે મુશ્કેલી પડે છે તેના હલ માટે ટૂંક સમયમાં ઘરના દરેક સભ્યના ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. અને કોઇપણ વ્યકિત દુકાને જશે તો ફિંગરપ્રિન્ટ મેળવી ચીજવસ્તુ આપવા માટે આયોજન કરવામાં આવશે.
મૂળી મામલતદાર કચેરીમાં સરપંચો દ્વારા હોબાળો
મૂળી તાલુકાના સરપંચો અને દુકાનદારો દ્વારા મૂળી મામલતદાર કચેરીમાં ભેગા મળી પુરવઠો મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવ્યાં મુજબ ૪૩ દુકાનોમાંથી માત્ર બે જ દુકાનોમાં ઇ-કૂપન દ્વારા પુરવઠો મળતો હોવાથી બાકીનાં ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. જ્યારે અમુક ગ્રામપંચાયતમાં કમ્પ્યૂટરમાં ડેટા જ ન નંખાયો હોવાની અને અમુક ગામમાં ઇગ્રામ સેવા જ બંધ હોવાની રજૂઆતો મળી હતી. અને અંતે ગ્રાહકોને ઝડપથી પુરવઠો મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.