• Gujarati News
  • Fight Against Privatization Of NTM School Latest News

સુરેન્દ્રનગર:NTMના ખાનગીકરણ મુદ્દે અનેક સંગઠ્ઠનો લડવા મેદાને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો:અધિક કલેકટર વિપુલ મહેતાને લેખીત આવેદનપત્ર આપી સરકારની આ કાર્યવાહી સામે વિરોધ વ્યકત કર્યો હતો)
-સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ભાવિ અંધકારમય
-સંગઠ્ઠનોએ આવેદન આપી આંદોલનની ચીમકી આપી

સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી સદી પુરાણી સરકારી શાળા શેઠ એન.ટી.એમ. હાઇસ્કૂલનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા ગાંધીનગરથી હાથ ધરાઇ છે. ત્યારે આ અંગે શાળામાં ભણતા 600થી વધુ વિદ્યાર્થીઓ સહિત અનેક સામાજિક સંગઠ્ઠનોએ વિરોધ નોંધાવ્યો છે. શુક્રવારના રોજ જિલ્લા કલેકટર કચેરીએ આ અંગે રજૂઆતો કરાઇ હતી. આગામી સમયમાં આ નિર્ણય પર ફેર વિચારણા નહી કરાય તો ઉગ્ર આંદોલનના મંડાણ વર્તાઇ રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાનો શિક્ષણ ક્ષેત્રે છેલ્લા એક દાયકાનો વિકાસ થયો છે. અનેક ખાનગી શાળાઓના આક્રમણ સામે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ટકી રહેવુ મુશ્કેલ બન્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ સદી પૂરાણી શેઠ નારાયણદાસ ઠાકરશીભાઇ મૂળજી હાઇસ્કૂલમાં અનેક ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજય સરકાર દ્વારા બે વર્ષ અગાઉ સરકારી શાળા એન.ટી.એમ. હાઇસ્કૂલનું ખાનગીકરણ કરવાની પ્રવૃતિ હાથ ધરાઇ હતી. પરંતુ આ અંગે વિરોધ થતા સરકારે પીછે હઠ કરી હતી.
ત્યારે ફરીવાર આ કાર્યવાહી માટે પાછલા બારણેથી હીલચાલ શરૂ થતા શહેરીજનોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જેમાં શુક્રવારના રોજ જનકલ્યાણ ફાઉન્ડેશનના સુમીત ઉમરાણીયા, કે.એન.રાજદેવ, પંકજભાઇ પૂજારા, ગિરીરાજસિંહ ઝાલા, સુબોધ જોશી, હરેશભાઇ સહિતનાઓએ અધિક કલેકટર વિપુલ મહેતાને લેખીત આવેદનપત્ર આપી સરકારની આ કાર્યવાહી સામે વિરોધ વ્યકત કર્યો હતો. જયારે જનજાગૃતિ સંગઠ્ઠનના પ્રદીપભાઇ વૈષ્ણવ, અશ્વિનભાઇ અંજારીયાએ એન.ટી.એમ. શાળામાં જઇ ધો. 9 થી 12ના 600થી વધુ વિદ્યાર્થીઓને આ કાર્યવાહીથી વાકેફ કરી હાઇસ્કૂલના ખાનગીકરણના ગેરફાયદાઓ વિશે માહિતગાર કર્યા હતા.
જયારે અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદના જયદીપસિંહ ડોડીયા, હિતેશ્વરસિંહ મોરી સહિતનાઓએ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલને આવેદનપત્ર આપીને એન.ટી.એમ. હાઇસ્કૂલના ખાનગીકરણ સામે વિરોધ દર્શાવી જો આ નિર્ણય અંગે ફેરવિચારણા નહી કરાય તો જિલ્લામાં શાળા, કોલેજો બંધ કરી આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી આપી હતી.

ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓના સપના સાકાર કરતી સરકારી હાઇસ્કૂલ

આ શાળામાં ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ કે જેઓ ખાનગી શાળાઓની મોંઘીદાટ ફી ન ભરી શકે તેઓ અભ્યાસ કરે છે. ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ આ હાઇસ્કૂલમાં અભ્યાસ કરીને પોતાના સપના સાકાર કરે છે. > અર્જૂન પટેલ, વિદ્યાર્થી, એન.ટી.એમ.હાઇસ્કૂલ
કોઇપણ શાળામાં એડમીશન ન મળે તે વિદ્યાર્થીને આ શાળામાં એડમીશન મળે

આ શાળામાં ગમે તેટલી ટ્રાય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમીશન આપી તેમને અભ્યાસ કરાવાય છે. શહેરની કોઇપણ શાળામાં એડમીશન ન મળે તે વિદ્યાર્થીઓને આ શાળામાં એડમીશન આપવામાં આવતુ હોવાની આ શાળાનું ખાનગીકરણ ન થવુ જોઇએ. > હાર્દીક જોશી, વિદ્યાર્થી, એન.ટી.એમ.હાઇસ્કૂલ