ચૂડામાં લોકઅપ તોડી રીઢો ચોર ભાગી ગયો, દોડધામ મચી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાટણ એલસીબીએ ચોરીમાં સંડોવાયેલા રીઢા ચોરને પકડીને ચૂડા પોલીસને હવાલે કર્યો હતો

ચૂડામાં થોડા સમય પહેલા ચોરી થઇ હતી.આ ચોરીના બનાવનો ભાગેડુ આરોપીને પાટણ એલસીબી દ્વારા પકડી ચૂડા પોલીસને હવાલે કર્યો હતો.પરંતુ શુક્રવારની મોડી રાત્રિના સમયે ચૂડા પોલીસ સ્ટેશનના લોકઅપને તોડીને આરોપી ભાગી છુ્ટયો હતો.આથી જિલ્લાના પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ચોરીનો ભાગેડુ આરોપી નાસી છુટતા ચકચાર ફેલાઇ છે. ચૂડાની ટાઉન બજારમાં એક વર્ષ પહેલા અનેક દુકાનોને તોડીને તસ્કરો ચોરી કરી નાસી છુટયા હતાં. આ બનાવનો એક આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. આ દરમિયાન પાટણની એલસીબીની ટીમે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવિળયાના ૨૩ વર્ષના કાળુભાઈ ઉર્ફે ધીરૂ સૂરાભાઈ દેવીપૂજકને ઝડપી લીધો હતો. ત્યારબાદ ઝડપાયેલા કાળુભાઈને તા. ૩ જુલાઈના રોજ ચૂડા પોલીસને હવાલે કરવામો આવ્યો હતો.

પરંતુ શુક્રવારની રાત્રિના ૯.૩૦ કલાકે પી.એસ.ઓ. ગંગારામભાઈ અન્ય કામોમાં વ્યસ્ત હતાં. આ દરમિયાન કાળુભાઈ ઉર્ફે ધીરૂએ લોકઅપ રૂમને તોડી છુમંતર થઇ ગયો હતો. બીજી તરફ ચૂડા પોલીસ સ્ટેશનના લોકઅપ તોડી આરોપી નાસી છુટતા પોલીસબેડામાં દોડધામ મચી છે. આ બનાવની જાણ ગંગારામભાઈને થતા પોલીસે આરોપીને પકડવા હરક્તમાં આવી ગઇ હતી. આ બનાવ અંગે પી.એસ.ઓ. ગંગારામભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ તપાસ લીંબડી ઇન્ચાર્જ પી.એસ.આઈ. એમ.એમ.લગધા, ડીવાય.એસ.પી. કોટકે તપાસ હાથ ધરી છે.

- આરોપીએ પાટું મારીને આગળનું હેન્ડલ વાળી દીધું

પાટણની એલસીબી ટીમે ઝડપી પાડેલા ચોરીના આરોપીએ ચૂડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાત્રિના સમયે પોતાની તાકાત બતાવતા પોલીસ પણ અચંબામાં પડી ગઇ હતી.કાળુભાઈ ઉર્ફે ધીરૂ લોકઅપમાં પુરાયેલો હોવા છતાં અંદરથી જોરદાર પગના પાટાઓ માર્યા હતા.જેમાં લોકઅપ રૂમનું આગળનું હેન્ડલ પણ વાળી દીધું હતું.