ઝાલાવાડમાં ઇ-કૂપનનો કાળો કકળાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હજારો કાર્ડધારકોનો રેશનિંગની ચીજ વસ્તુઓ માટે રઝળપાટ
- સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામોમાં ઇન્સ્ટોલેશન ન કરાયાની ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્ડધારકોને રેશનિંગનો માલ હજારો ગ્રાહકોને પૂરતો ન પહોંચતો હોવાની રાવ ઉઠતા ૨૦૧૩-નવેમ્બર માસથી ઇ-કૂપન યોજના શરૂ થઇ છે. પરંતુ અનેક ગામો અને શહેરોમાં ઇ-કૂપન ન મળતા ગ્રાહકોને દિવાળીના તહેવારો પર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.આ ગ્રાહકો અનાજ, કેરોસીનના જથ્થાથી વંચિત રહેતા આ કાયમી રામાયણમાંથી મુક્તિ માટે પુરવઠા વિભાગમાં રજૂઆતો કરીને માગણી કરાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી રેશનિંગની દુકાનોમાંથી ઘંઉ, કેરોસીન, ચોખા, મીઠુ સહિ‌તનો જથ્થો ગ્રાહકોને દર મહિ‌ને આપવામાં આવે છે. પરંતુ અમુક સસ્તા અનાજના દુકાનદારો આ ગરીબ ગ્રાહકોને જથ્થો સગેવગે કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો ગ્રાહકધારકોને સાચો અને યોગ્ય પુરવઠો મળી રહે તે માટે ઇ-કૂપન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકોના અંગૂઠાના નિશાન મેચ થયા બાદ જ ગ્રાહકોને પુરવઠો ફાળવવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગેરરીતિ રોકવા અને સાચા ગ્રાહકોને જથ્થો મળે તે માટે ઇ-કૂપન દ્વારા જથ્થો ફાળવવાની સૂચના અપાઇ હતી. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનાં ૧૦૦થી વધુ ગામોમાં ઇ -ધારા ઇન્સ્ટોલેશન કરાયું છે. બીજી તરફ દિવાળીના પર્વ પર હજારો ગ્રાહકોને આ નવી પદ્ધતિના કારણે જથ્થો મેળવવામાં રઝળપાટ કરવો પડયો છે. આ ઉપરાંત ઇ-કૂપન વગર પુરવઠો ન મળતા દુકાનદારો ગ્રાહકોને ચલકચલાણું રમાડતા હોવાથી ભારે રોષ ફેલાયો છે. આ અંગે અરજણભાઈ ઠાકોર, વીણાબેન દલવાડી વગેરે ગ્રાહકોએ જણાવ્યું કે, સસ્તા અનાજની દુકાનો પર ધક્કા ખાવા છતાં ઇ-કૂપન વગર પુરવઠો મળતો નથી.

જ્યારે ગ્રામ્ય અને શહેરના અંતરિયાળ વિસ્તારોમાં ઇ-કૂપન ક્યાંથી મેળવવી તે મોટી સમસ્યા ઉભી થઇ છે. જ્યારે સસ્તા અનાજની દુકાનદારોએ જણાવ્યું કે, અમને પુરવઠા વિભાગ દ્વારા ૮૦ ટકા જેટલો જથ્થો ઓછો ફાળવવામાં આવે છે. આ જથ્થો દુકાન પર પહોંચી ગયો છે. પરંતુ ઇ- ધારા ઇન્સ્ટોલેશન અને કૂપન વગરે કાર્ડધારકોને જથ્થો ફાળવી શકતા નથી. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી પરમારભાઈએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરમાં નવેમ્બર માસથી ઇ-કૂપન યોજનાનો પ્રારંભ થયો છે. આ યોજનાના કારણે યોગ્ય વ્યક્તિને જ યોગ્ય જથ્થો મળશે. આ ઉપરાંત પુરવઠો સગેવગે અને ગેરરીતિ અટકશે. હાલ સુરેન્દ્રનગરમાં પ્રથમ દિવસ હોવાથી આ પરિસ્થિતિ જોવા મળે છે. પરંતુ આગામી સમયમાં આ પદ્ધતિ રાબેતા મુજબ થઇ જશે. ઇ-કૂપન કે ઇ ધારા ઇન્સ્ટોલેશનના અભાવે કોઇ ગ્રાહક પુરવઠા વગરનો રહેશે નહી.

આગળ વાંચો ઈ-કુપનના કકળાટ વિશેની વધુ માહિતી