રાણાગઢ ગામમાં ૧૩૦ ભેંસ રોગચાળાના ખપ્પરમાં હોમાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રોગચાળો વધુ અટકે નહી તંત્રે સર્વે કામગીરી હાથ ધરી
- ભેદી રોગચાળાથી પાંચ દિવસમાં પશુઓ ટપોટપ મરતાં પશુપાલકો મૂંઝવણમાં


લીંબડી તાલુકાના નળકાંઠાના રાણાગઢ ગામે ભેંસોમાં ભેદી રોગચાળો વકરી રહ્યો છે પરિણામે છેલ્લા પાંચ દિવસમાં અંદાજે ૧૩૦ જેટલી ભેંસો મોતને ભેટતા પશુપાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. રોગચાળો વકરતા લીંબડી તાલુકા પંચાયત તથા પશુ આરોગ્ય ટીમો દોડી જઇ સર્વે હાથ ધરી રોગચાળાને વકરતો અટકાવવા રસીકરણ કાર્ય હાથ ધર્યુ છે.

નળકાંઠાના છેવાડાના રાણાગઢ ગામે અબોલ પશુઓમાં ભેદી રોગચાળાએ આતંક મચાવતા છેલ્લા એક સપ્તાહમાં અંદાજે ૧૩૦થી વધુ ભેંસોના મોત થયા છે. આ અંગે પશુપાલકોના જણાવ્યા મુજબ તેમની ભેંસો ચરિયાણમાંથી પરત આવ્યા બાદ અચાનક બીમાર પડી જાય છે અને ખોરાક લેવાનું બંધ કરી દે છે.

ગણતરીના કલાકમાં જ ભેંસનું મોત થાય છે. ગામના તલાટી જે.બી.ધરજિયાએ કરેલી પંચનામા સર્વે કામગીરીમાં અંદાજે ૧૩૦ જેટલી ભેંસો રોગચાળાના કારણે મોતને ભેટી હોવાનો અહેવાલ જિલ્લા કક્ષા મોકલ્યો છે.જયારે ગામ અને સમાજના આગેવાન હિંમતભાઇ ભુવાત્રાએ જણાવ્યું હતું કે, ભેંસો રોગચાળાના કારણે મોતને ભેટી છે. ગ્રામજનોએ લીંબડી તાલુકા પંચાયતને જાણ કરતા લીંબડીથી પશુચિકિત્સક તથા તેમની ટીમ દોડી આવી હતી અને સર્વે કામગીરી હાથ ધરી હતી. પશુચિકિત્સક એસ.એમ.પટેલે જણાવ્યું હતું કે, પશુઓની તપાસ કરતા તેના યકૃતમાં કૃમિના આક્રમણ વધતા તાવ આવતા પશુઓ મોતને ભેટી રહ્યાં છે. જ્યારે હાલમાં પશુપાલકોની હાજરીમાં જ પશુઓનું રસીકરણ કરાઇ રહ્યું છે અને રોગચાળો વધુ અટકે નહી તંત્રે સર્વે કામગીરી હાથ ધરી છે. ગામના અગ્રણી હિંમતભાઇ ચૌધરી, કાનાભાઈ વલુભાઈ સાપરા, ગગુભાઈ ધારશીભાઈ દાંમડા વગેરેએ રજૂઆતો કરી છે. જેમાં જિલ્લા કક્ષાએથી પશુઆરોગ્યની ટીમો આવે અને પશુપાલકોને રાજય સરકાર વળતર આપે અને પશુપાલકોનાં રોજગાર ધંધામાં સરકાર આગળ આવે તેવી ડી.ડી.ઓ. સમક્ષ રજૂઆત કરી છે.

એક પશુપાલકની ૯ ભેંસો મોતને ભેટી

રાણાગઢ ગામે એકાએક ભેંસોમાં રોગચાળો વકરતા પશુપાલકો મુશ્કેલીમાં મૂકાયા છે ત્યારે હમીરભાઈ નાનુભાઈ સાપરા જેમની પાસે ૯ દૂઝણી ભેંસો હતી. તેમની તમામ ભેંસો પાંચ દિવસમાં રોગચાળાના ખપ્પરમાં આવતા મોતને ભેટી છે.હાલ પશુપાલકના રોજગાર અટકી પડતા શ્રમજીવી પશુપાલક પર આભ તૂટી પડયું છે.