સુદામડાની પ્રાથમિક સુવિધા પ્રશ્ને મતદાન બહિષ્કારથી તંત્રમાં દોડધામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તંત્રે ઉકેલની ખાત્રી આપતા મતદાનની ખાતરી

સાયલા તાલુકાના સુદામડા ગામે ગટર, વીજળી અને પાણીની અસુવિધાથી પરેશાન ગ્રામજનોએ વિધાનસભાની આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની લેખિત રજુઆતથી તંત્રમાં દોડધામ મચી હતી. આથી મંગળવારની સાંજે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામપંચાયત કચેરીનાં સભાખંડમાં લોકોની પરેશાની દૂર કરવાની અને સંતોષકારક ઉકેલની ખાત્રી આપતા મતદાન કરવાની ખાત્રી આપતા મામલો શાંત થયો હતો.

સાયલા તાલુકાનાં સૌથી મોટા સુદામડા ગ્રામપંચાયતમાં વિકાસના કામો ટલ્લે ચડતા સુદામડા ગ્રામહિત રક્ષક સમિતિએ સુદામડા ગામની પ્રાથમિક સુવિધા બાબતે અનેક વખત ગ્રામપંચાયતમાં રજુઆત કરી છે. ત્યારે પ્રકાશભાઈ સોની, પાયક આઇ.એસ.,ખવડ વિજયભાઈ, મિસ્ત્રી ગણપતભાઈ, રાણપુરા દિપકભાઈ, પરમાર કે.જી.મકવાણા અજભાઇ સહિતનાં આગેવાનોએ સુદામડા ગામની બજારોમાં સાફ સફાઇ અને ગટરની ગંદકીથી વેપારીઓ તોબા પોકારી ગયાની રજુઆત કરી હતી.

ઉચ્ચકક્ષાએ કરેલી વધુ રજુઆતમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રિટ લાઈટ બંધ રહેતા અસામાજિક તત્વોને છુટો દોર મળી રહ્યો છે. તેમજ પીવાના પાણીની સમસ્યાથી મહિલાઓનો રઝળપાટ વધી રહ્યો હોવાની પણ લેખિત રજુઆત કરવામાં આવી હતી. આથી ગ્રામહિત રક્ષક સમિતિએ પ્રાથમિક સુવિધાઓથી વંચિત સુદામડાની પ્રજાજનોની મુશ્કેલી દૂર કરવામાં ન આવે તો આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી છે.

આથી તંત્ર દ્વારા સાયલા મામલતદાર વી.આઇ. પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી એસ.એ.ડોડીયા, તલાટી મંત્રી એન.વી.જોબાપરા, સર્કલ બી.એસ.પરમાર સહિતનાં અધિકારીઓ સુદામડા દોડી ગયા હતાં. અને સુદામડા ગામના આગેવાનો સાથે પાયાની જરૂરિયાત અને પરેશાની બાબતે ચર્ચા હાથ ધરી હતી. અને તમામ પ્રાથમિક સુવિધાના સંતોષકારક ઝડપભેર ઉકેલની ખાત્રી આપવામાં આવી હતી. આથી ઉપસ્થિત તમામ વેપારી, આગેવાનોએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુકત રીતે મતદાન કરવાની ખાત્રી આપતા સરકારી અધિકારીઓએ પણ રાહતનો દમ લીધો હતો.