વોટ્સએપ પર બીસીએના સેમ.૪નું પેપર લીક થતાં દોડધામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પેપર લીક થતાં સવારના બદલે બપોરે પેપર લેવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાની કોલેજોમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ત્યારે સોમવારના રોજ બીસીએના સેમેસ્ટર-૪માં સવારના ૧૦-૩૦ થી ૧-૦૦ દરમિયાન લેવાનાર પેપર વોટસઅપ પર ફરતુ થયુ હોવાની જાણ થતા યુનિવર્સિ‌ટી કક્ષાએથી તાત્કાલીક પેપર રદ્દ કરી બપોરે લેવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે અનેક કોલેજોના સત્તાધીશોને જાણ ન કરાતા વિદ્યાર્થીઓ બપોરના સમયે પરીક્ષાથી વંચિત રહ્યા હતા.
હાલના આધુનીક યુગમાં સોશીયલ મીડીયા જેવા કે, ફેસબુક, ટીવટર, વોટસએપનો વપરાશ વધ્યો છે. લોકોની સરળતા ખાતર અને ઝડપથી જાણકારી મળી રહે તેવા ઉદ્દેશથી સોશીયલ મીડીયા કોઇવાર ગેરપ્રવૃતિ માટે પણ ઉપયોગી થતુ હોવાની બૂમરાણ ઉઠી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંચાલીત જિલ્લાની બીસીએ કોલેજોમાં સોમવારના રોજ સેમેસ્ટર-૪માં ઓપરેટીગ સીસ્ટમ કોમ્પેટીવ વીથ યુનીક લીનકસ વિષયનું પેપર હતુ. સુરેન્દ્રનગર જિલ્લાની એમ.વી.વોરા કોલેજ, વરમોરા કોલેજ, જી.બી.પરમાર કોલેજ, વિવેકાનંદ કોલેજ, સી.યુ.શાહ કોલેજ, સંસ્કૃતિ સ્કૂલ ઓફ થોટસ, લીંબડીની સર્વોદય કોલેજ, હળવદની પારંગત કોલેજમાં આ પેપરનો સમય સવારે ૧૦-૩૦ થી ૧-૦૦ કલાકનો રાખવામાં આવ્યો હતો.
જેમાં જિલ્લાના ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપતા હતા. પરંતુ પેપર શરૂ થયા બાદ આ પેપર વોટસએપ ઉપર ફરતુ થયાની જાણ રાજકોટ કક્ષાએથી યુનિવર્સીટીના અધિકારીઓને થતા તાત્કાલીક પેપર સ્થગીત કરી દેવામાં આવ્યુ હતુ. જયારે યુનિવર્સીટી કક્ષાએથી આ પેપર સોમવારના રોજ જ બપોરે ૩-૦૦ થી પ-૩૦ કલાક દરમિયાન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, રાજકોટ કક્ષાએથી લેવાયેલા આ ત્વરીત નિર્ણય અંગે કોઇ કોલેજોને સત્તાવાર રીતે જાણ ન કરવામાં આવતા અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓ સવારના સમયે પરીક્ષા આપીને જતા રહ્યા હતા. જેઓને બપોરના પેપરની જાણ ન કરાતા વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થઇ રહ્યા હોવાનો સૂર વહેતો થયો હતો.