સૌરાષ્ટ્રમાં પાણીની તંગી સર્જાતા હળવદ પંથકમાં કેનાલ ઉપર ચેકિંગ હાથ ધરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદઃ સૌરાષ્ટ્રમાં પાણીની તંગી સર્જાઇ છે. આથી મોરબી અને હળવદ પંથકમાં કેનાલમાં ચેકિંગ શરૂ થયુ છે. મોરબી-માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં શુક્રવારે નર્મદા વિભાગ અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા રણમલપુરથી ઘાટીલા ગામ સુધી પોલીસ જવાનો અને એસઆરપીની ટુકડીએ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. જેમાં પાણી ચોરી ન કરવા ખેડૂતોને તાકિદ કરાઇ હતી.
સમગ્ર રાજયમાં વરસાદ ખેંચાતા મૂંગા પશુઓ અને લોકોને પીવાના પાણી માટે હાડમારી ભોગવવી પડે છે. ત્યારે માળીયા શાખાની નર્મદા કેનાલ હળવદથી પસાર થાય છે. માળીયા શાખા કેનાલનું પાણી જામનગર, દ્વારકા, ટંકારા સુધીના શહેરોમાં પીવાનું પાણી પહોંચાડે છે. ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના જ ખાખરેચી ગામે નર્મદા કેનાલનું પાણી 0 ટકા થઇ જતા 3 ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે.
કલેકટર આઇ.કે.પટેલની સૂચનાથી હળવદ, મોરબી નર્મદા વિભાગ અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને હળવદ પોલીસની ટીમે હળવદ તાલુકામાં ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં રણમલપુર, કીડી, અજીતગઢ, ટીકર, મિયાણી, ખોડ, નવા ઘાટીલા, અમરાપર સહિતના ગામોમાં હળવદ પોલીસના 10 માણસો અને 10 એસઆરપી જવાનોએ હથિયાર સાથે નર્મદા કેનાલમાં સતત પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. ત્યારે ખેડૂતોને નર્મદાના અધિકારીઓ અને મામલતદારને પાણીનો બગાડ, વેસ્ટ પાણી વોકળામાં વેડફાઇ જાય તે બંધ કરવાની સૂચના આપી હતી.
કેનાલ પર મશિનો અને બકનળી નહી મૂકવાની પણ તાકીદ કરી હતી. તેમ છતાં કોઇ ખેડૂતો દ્વારા મશિન કે બકનળી મૂકવામાં આવશે તો પાણી ચોરી કરતા માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી અપાઇ હતી. કઆ કામગીરીમાં હળવદ નર્મદા વિભાગના કાર્યપાલક ઇજનેર વાગડીયા, હળવદ મામલતદાર કે.જી.થડોદા, પાણી પુરવઠાના નાયબ ઇજનેર કે.પી.સીંગ, હળવદ પીએસઆઇ અને બીટ જમાદાર સહિતનાઓ જોડાયા હતા.
ખાખરેચીમાં કેનાલમાં 0 ટકા પાણીની આવક થતા અધીકારીઓ દોડતા થયા
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામની નર્મદા કેનાલમાં 0 ટકા પાણીની આવક થતા નર્મદા વિભાગ અને પાણી પુરવઠાના અધિકારીઓ હળવદ પંથકની કેનાલમાં દોડતા થયા હતા.
હળવદ પંથકની કેનાલના પાણીનું લેવલ 2.20 મીટર
હળવદ પંથકના રણમલપુર, ટીકર, મિયાણી, અજીતગઢ, ખોડ ગામોમાં નર્મદા કેનાલના પાણીનું લેવલ હાલ 2.20 મીટર જેટલુ છે. ત્યારે પાણી ચોરી ન થાય તે માટે પોલીસ કાફલાએ સતત પેટ્રોલીંગ હાથ ધર્યુ છે.
અન્ય સમાચારો પણ છે...