ત્રિનેત્રેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય જર્જરિત છતાંય તંત્ર પગથિયા રીપેર કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનઃ થાન પાસેના તરણેતર મંદિર અતિ પુરાણુ અને ઐતિહાસિક મંદિર છે. 114 વર્ષ પહેલા જીર્ણોધ્ધાર થયેલ આ મંદિરમાં સમારકામની અતિ આવશ્યકતા છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા મંદિર પરિસરનાં લાકડાના પગથીયા અને પરીસરમાં ફલોરીંગ માટે રૂ. 10 લાખ ફાળવતા શ્રધ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી છે. ત્યારે ભવિષ્યમાં આ મંદિરમાં કોઇ દૂર્ઘટના સર્જાય તે પહેલા અંદરનાં ભાગો અને બહારના ભાગોમાં સમારકામની જરૂરીયાત છે.
તરણેતરનો મેળો નજીક આવી રહ્યો છે ત્યારે મંદિરનું રિનોવેશન કરો : આગેવાનો

થાનથી દસેક કિલોમીટરનાં અંતરે તરણેતર ત્રિનેત્રશ્વર મહાદેવનું પુરાતત્વ હસ્તકનું અતિ પૌરાણીક મંદિર આવેલુ છે. જે 114 વર્ષ પહેલા જીર્ણોધ્ધાર થયેલ આ મંદિરનાં અંદરના ભાગો અને બહારની બાજુએ સમારકામ –રિપેરીંગની અતિ આવશ્યકતા છે. આ મંદિરનાં પટાંગણમાં દર વર્ષે તરણેતરીયો લોકમેળો યોજાય છે. અને લાખો શ્રધ્ધાળુઓ મંદિરના દર્શનાર્થે આવે છે. તેથી અકસ્માત કે દૂર્ઘટના સર્જાવાની ભિતી રહેલ છે. કેમ કે મંદિરના મુખ્ય દરવાજાનાં બંને પીલરો અને તેના બીમમાં મોટી તિરાડો તેમજ ઘૂમ્મટ અને શિખરનાં અંદરના બહારના ભાગો જર્જરીત થઇ ગયા છે. આથી આ પુરાતત્વ હસ્તકના ઐતિહાસિક મંદિરને ટકાવી રાખવા સમારકામ રિપેરીંગ માટે તાત્કાલીક પગલા લેવા જરૂરી છે.
114 વર્ષ પહેલાં જીર્ણોધ્ધાર થયેલા મંદિરની જોખમી સ્થિતિથી સ્થાનિકોની માંગ

આ અંગે મંદિરના મહંત છગનગીરી અને સરપંચ ચોથાભાઈ ખમાણીએ જણાવ્યું કે, તરણેતરનાં લોકમેળા દરમિયાન લાખો શ્રધ્ધાળુ મંદિરમાં દર્શન કરવા આવે છે. તે સમયે કોઇ દૂર્ઘટના થાય તો મોટી જાનહાની સંભવ છે. મંદિરનાં દરવાજા પાસેના પીલર-બીમમાં મોટી તિરાડો તેમજ ઘૂમ્મટ અને શીખરના ભાગો જર્જરીત થઇ ગયા છે. તેમજ મંદિરનાં બહારના પથ્થરો પાયા ઉપરનાં ખવાઇ ગયા છે. અને જર્જરીત છે તેથી તંત્ર દ્વારા તાત્કાલીક સમારકામ કરવુ જોઇએ.

આ અંગે પુરાતત્વ વિભાગનાં મદદનીશ પુરાતત્વ નિયામક વી.ડી.કણસાગરાએ જણાવ્યું કે, મંદિરનાં ભાગોનાં સમારકામ રિપેરીંગ માટે અલગથી નવુ એસ્ટીમેન્ટ બનાવવુ પડે અને તેને દરખાસ્ત માટે સરકારમાં મોકલવુ પડે. હાલ તો મંદિર પરિસરનાં લાકડાના પગથીયા ફ્લોરીંગ માટેના કામ માટે ગ્રાંટ ફાળવવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...