સુરેન્દ્રનગરઃ મીઠાના કારખાનાના કચરાના લીધે 8 ગામના 150થી વધુ ખેડૂતો પરેશાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લા પાટડી પંથકમાં રણના લીધે મીઠાનું પ્રોસેસીંગ અને પેકિંગ કરતા કારખાનાઓ ધમધમતા થયા છે. ત્યારે પાટડી તાલુકાના જરવલા ગામ પાસે આવેલ મીઠાના કારખાનાના દૂષિત પાણી અને કચરાના લીધે આસપાસના 8 ગામોના 150થી વધુ ખેડૂતો પરેશાન થઇ ગયા છે. આ કારખાના દ્વારા છોડાતા પાણીથી ખેતરોમાં ક્ષાર જામી જતા પાકની ઉપજ ઘટી હોવાની રાવ સાથે ખેડૂતોએ આ કારખાનુ બંધ કરાવવા માંગ કરી હતી.
જરવલા, બામણવા, સવલાસ, સુરજપુરા, નારણપુરા, હિંમતપુરાના ખેડૂતોની કલેકટરને રજૂઆત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં રણના લીધે મીઠાનું ભારે ઉત્પાદન થાય છે. પાટડી પંથકનું મીઠુ રાજય અને દેશ બહાર મોકલવામાં આવે છે. ત્યારે આ વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન થતા મીઠાનું પ્રોસેસીંગ કરી પેકિંગ કરવા માટે અનેક કંપનીઓ અહીં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. પરંતુ પર્યાવરણના નિયમોને નેવે મૂકીને આ કંપનીઓ દ્વારા છોડાતા કચરા અને વાયુ પ્રદૂષણના લીધે ખેડૂતો અને ગ્રામજનો હેરાન ઓ પરેશાન થઇ ગયા છે.
પ્રશ્ન હલ નહી થાય તો મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન અને ફેકટરીને તાળાબંધીની ચીમકી અપાઇ

પાટડી તાલુકાના જરવલા ગામ પાસે આવેલ એક મીઠાની ફેકટરીમાંથી છોડાતા દૂષીત પાણી 6થી વધુ ગામોના 100થી પણ વધુ ખેતરોમાં ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમા મૂકાયા છે. આથી પાટડી તાલુકા પંચાયતના સવલાસ બેઠકના સભ્ય ભકિતગિરી રણછોડગિરિ ગોસાઇ, નૌશાદભાઇ સોલંકી, ઇશ્વરભાઇ પટેલ, રણછોડભાઇ પટેલ, ઘનશ્યામભાઇ પટેલ સહિતનાઓએ ગુરૂવારે આ અંગે કલેકટર ઉદીત અગ્રવાલને લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવાયા મુજબ જરવલા પાસે આવેલ મીઠાની ફેકટરીમાંથી મીઠાના પ્રોસેસીંગ બાદ ગંદુ પાણી આસપાસના ગામોના ખેતરોમાં છોડવામાં આવતા જમીન ક્ષારયુકત બની ગઇ છે.

જયારે ગામોની ગૌચર જમીનોમાં પણ ક્ષાર જામી જતા પશુઓને ઘાસચારો ચરવામાં મુશકેલી પડે છે. આ ઉપરાંત ખેત તલાવડીઓમાં પણ આ પાણી ભળતા પાણી ખારૂ થઇ ગયુ છે. આટલુ જ નહી પરંતુ કારખાના દ્વારા હવામાં છોડાતા પ્રદૂષણને લીધે ખેતરોમાં ઉભા છોડ પર સફેદ ક્ષાર જામી જાય છે. આથી આ ફેકટરી તાકિદે બંધ કરાવવા ખેડૂતોએ માંગ કરી હતી. જો, આ અંગે તાકિદે નિકાલ નહી આવે તો મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન અને કારખાનાને તાળાબંધીની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારવામાં આવી છે.
ચૂંટણી સમયે કારખાનુ બંધ, પછી ચાલુ !
ઝાલાવાડમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે ખેડૂતોના મત લેવા માટે અમુક રાજકારણીઓએ આ કારખાનુ થોડા સમય માટે બંધ કરાવી અમો ખેડૂતોના પક્ષે છીએ તેવો દેખાડો કર્યો હતો. પરંતુ ચૂંટણી બાદ ફરી કારખાનુ ધમધમતુ થતા ખેડૂતોની દશા જૈ સે થે જ રહી છે.
અન્ય સમાચારો પણ છે...