તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર: 8 હજાર પરિવારનું સાકાર થશે સપનું..‘અમારૂ ઘર’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક પરિવાર એવા રહે છેકે જેમની પાસે પોતાનું ઘર નથી. પરંતુ હવે આવા પરિવરને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે નગરપાલિકા દ્વારા આવા પરિવારને શોધીને ઘર મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આટલુ જ નહીં પરંતુ શહેરમાં ચાલી રહેલા સર્વેમાં 2 હજારથી વધુ આવા પરિવારને શોધીને તેમને ઘર મળે તે માટે ફોર્મ પણ ભરી દેવાયા છે.
-8 હજાર પરિવારનું સાકાર થશે સપનું..‘અમારૂ ઘર’
-સુરેન્દ્રનગર પાલિકા વોર્ડમાંથી 2 હજાર પરિવાર મળ્યા કે જેમને પોતાના પાકા ઘર નથી
-મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 900 પરિવાર માટે મકાન બનાવવાના કામનો પ્રારંભ
નાનકડું પણ પોતાનું ઘર હોય તે દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. તેમાં પણ ખાસ કરીને ગરીબ પરીવાર માટે તો આ સ્વપ્ન માત્ર સ્વપ્ન જ બની રહેતુ હોય છે. પરંતુ હવે આવા પરિવારને પણ એક દિવસ પોતાનું ઘર હોય તે દિવસો હવે દૂર નથી. અને તેના માટે સુરેન્દ્રનગરમાં નગરપાલિકા દ્વારા તડામાર તૈયારી સાથે સર્વેની કામગીરી ચાલી રહી છે. સરકાર દ્વારા ગરીબ પરીવારનાં આવાસ માટે મુખ્યમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે.
અને સુરેન્દ્રનગરમાં આ યોજના અંતર્ગત 900થી વધુ પરિવાર માટે કરોડો રૂપિયાનાં ખર્ચે યોજનાનું ખાતમૂર્હુત કરીને મકાન બનાવવાનાં કામનો પણ આરંભ કરી દેવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં હજુ પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક પરિવારને પોતાનું ઘર નથી તે નરી વાસ્તવિકતા છે. તો અનેક પરીવાર હજુ પણ ઝૂંપડપટ્ટીમાં કે કાચા મકાન બનાવીને આવા અસુવિધા યુક્ત મકાનમાં આશરો લઇને શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં વિટંબણાવાળુ જીવન જીવવા મજબુર છે. આવા પરિવાર માટે વર્તમાન સમયે 2022 માટે જાહેર થયેલી આવાસ યોજના જાણે આશાનું કિરણ લઇને આવી છે.
સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરનાં તમામ વોર્ડમાં ખાસ કરીને ગરીબ પરીવારની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં એક સર્વે હાથ ધર્યો છે. જેમાં જે લોકો પાસે ઘર નથી, જેમના ઘરમાં કોઇ જ પ્રકારની સુવિધા નથી, કાચા મકાન છે. આવા તમામ લોકોનાં નામ સરનામા લખીને એક ફોર્મ ભરવામાં આવી રહ્યું છે. તે તમામ લોકોને આવાસ યોજના મંજૂર થાય ત્યારે ઘરનું ઘર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે નગરપાલિકાનાં પવડી વિભાગની IN ટીમ દરેક વોર્ડમાં ફરી રહી છે. અને કોઇપણ ગરીબ પરીવાર બાકી ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા 8 હજારથી વધુ ફોર્મ સર્વેની ટીમને આપવામાં આવ્યા છે. અને તે પૈકી 2000 જેટલા ફોર્મ ભરી પણ દેવામાં આવ્યા છે.
સાચા લાભાર્થીને શોધવા ઘેર ઘેર સર્વે
સુરેન્દ્રનગરમાં મંજૂર થયેલી આવાસ યોજનામાં લોલમલોલ ચલાવીને ગરીબ પરીવારની જગ્યાએ જે લોકોની પાસે પોતાનું ઘર છે. એ આર્થિક રીતે સક્ષમ છે તેવા લોકોનાં પણ સહાયમાં નામ લખી દેવાના મામલે વિવાદ થયો હતો. યોજનામાં સાચા જ લાભાર્થીને લાભ મળે તે માટે ઘેર ઘેર જઇને સર્વેનું આયોજન કરાયું છે.
કાચા મકાન પાકા બનાવવાની યોજના
સરકારની આ યોજના સાથે સર્વે દરમિયાન જે લોકો પાસે પોતાની જમીન છે. પરંતુ તેના પર પાકુ ઘર બનાવવાના પૈસા ન હોવાથી કાચા મકાનમાં રહેતા હોય તેમને પણ મકાન બનાવી આપવાનું આયોજન છે.
અન્ય સમાચારો પણ છે...