-મોટી મોલડી હત્યા કેસમાં છને આજીવન કેદ
-છોકરીને ભગાડવાની તકરારમાં મહિલા પર મેટાડોર ફેરવી દીધુ હતું
સુરેન્દ્રનગર:ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા પરિવાર પર છોકરી ભગાડી જવાનું મનદુ:ખ રાખીને 13 શખ્સોએ હૂમલો કર્યો હતો. આ હૂમલા સમયે નાસવા જતા ફરિયાદીના પત્ની પર આરોપીઓએ મેટાડોર ચડાવીને મોત નીપજાવ્યુ હતુ. ત્યારે આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે છ શખ્સોને આજીવન કેદની સજા ફટકારી ન્યાય તોળ્યો છે.ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે છોકરી ભગાડી જવાનુ મનદુ:ખ રાખીને થયેલા હૂમલાના બનાવમાં કોર્ટે છ શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
આ કેસ અંગે મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા મેઘાભાઇ દેવશીભાઇ જાદવના ઘેર તા. 25-5-12ના રોજ છોકરી ભગાડી જવાનું મનદુ:ખ રાખીને ગામના 13 જેટલા શખ્સોએ મેટાડોર, છકડા, વેગનઆર કાર અને બાઇક પર ધસી આવી કુહાડી, લાકડી, લોખંડનો પાઇપ, ધારીયા, તલવાર વડે હૂમલો કર્યો હતો. આ સમયે વચ્ચે પડતા મેઘાભાઇના ભત્રીજા મનસુખભાઇને પણ ઇજાઓ પહોંચી હતી. જયારે હૂમલા સમયે ગભરાઇને નાસવા જતા મેઘાભાઇ દેવશીભાઇના પત્ની અનુબેન પર આરોપીઓએ એક સંપ કરી મેટાડોર ચલાવી દઇ મોત નીપજાવ્યુ હતુ.
આ અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તમામ આરોપીઓને ઝડપી લેવાયા હતા. આ અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.એ.જોશી સમક્ષ ચાલી ગયો હતો. જયારે 119 દસ્તાવેજી પુરાવા, 19 મૌખીક પુરાવા અને સરકારી વકીલ જે.વી.રાઠોડની દલીલોને ધ્યાને લઇને ચૂકાદો સાંભળાવવામાં આવ્યો હતો. જેમાં મેટાડોર ચલાવી અનુબેન મેઘાભાઇ જાદવનું મોત નીપજાવવા બદલ 6 શખ્સો ને આજીવન કારવાસની સજા ફટકારાઇ છે. આ ઉપરાંત તમામ શખ્સોને રૂપિયા 10 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજાનો હૂકમ કરાયો છે.
એક સાથે છને સજા: ઐતિહાસિક ચૂકાદો
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ગુનાઓમાં આરોપીઓને આજીવન કારાવાસની સજા પડી છે. પરંતુ કોઇ ગુનામાં એક સાથે 6 શખ્સોને આજીવન કારાવાસની સજા પડી હોય તેવુ સૌ પ્રથમવાર બન્યુ હોવાનું સરકારી વકીલ જે.વી.રાઠોડે જણાવ્યુ હતુ.