સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી જાહેર થતા જ ગરમાવો આવી ગયો હતો. તેમાં પણ ઉમેદવારી ચીત્ર સ્પષ્ટ થતા પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો હતો. ત્યારે ગુરૂવાર સાંજે પ કલાકથી ચૂંટણીમાં પ્રચારના પડઘમ શાંત થયા છે. હવે કતલની રાત સમાન શુક્રવારની રાત્રે ઉમેદવારો છેલ્લી ઘડી સુધી ડોર-ટુ-ડોર પ્રચારમાં વ્યસ્ત થઇ જશે.
સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠક પર ચૂંટણી જંગ ખરાખરીનો જામ્યો છે. પાંચેય બેઠક પર ઉમેદવારી કરનાર 66 ઉમેદવારોનું ભાવી શનિવારે જિલ્લાના 12,70,376 મતદારો ઇવીએમમાં સીલ કરવાના છે. ત્યારે ચૂંટણીમાં ઉમેદવારી ચીત્ર સ્પષ્ટ થયા બાદથી જ પ્રચારની શરૂઆત થઇ ગઇ હતી. દરરોજ કોઇને કોઇની જાહેર ચૂંટણી સભા, રોડ શો, રિક્ષામાં વાગતા ભૂંગળા શહેરમાં ફરતા હતા.
પરંતુ ગુરૂવાર સાંજે 5 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જતા જાણે શહેરમાં નીરવ શાંતી ફેલાય હોય તેવુ વાતાવરણ ઉભુ થયુ છે. ચૂંટણી પંચના નિયમ મુજબ હવે લાઉડ સ્પીકર દ્વારા પ્રચાર કરી શકાશે નહી. આથી ઉમેદવારો હવે ડોર-ટુ-ડોર પ્રચાર કરીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરશે. જયારે આજે શુક્રવારની રાત મતદાન પહેલાની અંતીમ રાત હોવાથી કતલની રાત સમાન સાબીત થનાર છે. છેલ્લી ઘડીએ મતદારોને કોઇ લાલચ, ધાકધમકી કે પ્રલોભન આપીને રીઝવતા નથી તે અંગે ઓર્બ્ઝવરો પણ બાજ નજર રાખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.