અમે તો માનસિક બિમાર છીએ, હોસ્પિટલ તો સાવ બિમાર છે : દવાઓ ન હોય તો હોસ્પિટલને તાળા મારી દો : દર્દીઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના પ્રાદેશીક નિદાન કેન્દ્રના રૂમ નં.1માં દર બીજા અને ચોથા બુધવારે માનસિક દર્દીઓ નિદાન અર્થે આવતાં હોય પરંતુ અહીં કાયમી તબીબના અભાવે અમદાવાદથી વિઝિટ અર્થે ર્ડાકટર બોલાવવા પડે છે. ત્યારે આ બુધવારે તબીબ તો સમયસર આવી ગયા હતાં પરંતુ હોસ્પિટલના માણસ ન હોવાથી કોઇ લાઈનની વ્યવસ્થા ન થતા તેમજ અન્ય અસુવિધાઓ અને દર્દીઓને બહારથી દવા લેવાનો વારો આવતા રોષ ફેલાયો હતો. અને અમે માનસિક રીતે બિમાર છીએ, પણ હોસ્પિટલ તો સાવ બિમાર લાગે છે દવાઓ ન હોય તો હોસ્પિટલને બહારથી તાળા મારી દો જેવા ઉદ્દગારો દર્દીઓમાંથી નીકળી પડયા હતા.

અહીં દર બુધવારે અંદાજે 140 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવે છે. ત્યારે ડો. કૃણાલ પટેલે જણાવ્યું કે, સ્ટાફની ઘટના કારણે મુશ્કેલી પડે છે. દવાઓ પૂરતા પ્રમાણમાં છે. અને દર્દીઓ ખાનગી દવાખાનાની જે દવા હોય તે લખવાનો આગ્રહ રાખે છે. જ્યારે હોસ્પિટલના ઇન્ચાર્જ અધિકારી ડો. મુગદલે જણાવ્યું કે, આ સ્થળે માણસો મૂકવામાં આવેલા જ છે છતા તપાસ કરીને કાર્યવાહી કરાશે. જ્યારે દર્દીના સગા રતનબેન પરમારે જણાવ્યું કે, અમે સવારથી લાઇનમાં ઉભા છીએ. પરંતુ અહીં કોઇ માણસ મૂકવામાં ન આવતા લોકો આડેધડ ઘૂસી જાય છે. મારા પતિ અહીં આવી શકે તેમ નથી આથી હું દવા લેવા આવી છુ.

બહારથી દવા લાવવાની મારી કેપીસીટી નથી

હું પણ અને મારી દિકરી મીનાબેન આ રોગમાં સપડાયેલા છે. હું દવા લેવા આવ્યો છુ. પરંતુ દવા નથી અને ડોકટરો બહારથી દવા લખી દે છે તે લેવાની મારી કેપીસીટી નથી.
> કલ્યાણભાઈ મકવાણા,મેમકા,દર્દીના પિતા.


દવા બારીએ પહોંચ્યો તો કહે છે કે દવા નથી !

ડોકટરે તપાસ્યા અને દવા લેવા બારીએ પહોંચ્યો તો કહે દવા નથી. સુવિધાઓ ન હોય તો જાણ કરવી જોઇએ જેથી અમારા જેવા વૃદ્ધોને હોસ્પિટલે ધક્કા ખાવા ન પડે.> મનહરલાલ બચુભાઈ સુરાણી,દર્દી,સુરેન્દ્રનગર.

હોસ્પિટલમાં દર્દીઓની લાઈનની વ્યવસ્થા નથી

હું ખેરાળી ગામથી મારા 100 વર્ષના દાદી સમુબેનને લઇને અહીં સારવાર માટે આવ્યો પરંતુ અહીંયા કોઇ વ્યવસ્થા જ નથી. જેના કારણે મુશ્કેલી પડી રહી છે. > રાજેશ પરમાર, દર્દીના સગા,ખેરાળી

અહીંયા કોઇ વ્યવસ્થા જ નથી

મારા મામા 67 વર્ષના મૂળજીભાઈ મોહનભાઈને અહીં સારવાર માટે લાવી છુ. પરંતુ અહીંયા કોઇ સગવડતા ન હોવાથી લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવી જોઇએ.-લાભુબેન પ્રભુભાઈ લખતરીયા,દર્દીના ભાણી, લખતર.


140 દર્દીઓની તપાસ માટે કાયમી તબીબ નથી, સ્ટાફનો પણ અભાવ

અસુવિધાથી અસંતોષ

બચાવ : હોસ્પિટલમાં દવાઓ છે પરંતુ દર્દીઓ ખાનગી દવાખાનાની જે દવા હોય તે લખવાનો આગ્રહ રાખે છે : તબીબ

{ ગાંધી હોસ્પિટમાં માનસિક બિમારીની સારવાર માટે આવેલા દર્દીઓને લાઇનમાં રહેવાની સાથેની કોઇ વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલીમાં મૂકાયા હતા.તસવીર-પ્રવીણ સોલંકી
અન્ય સમાચારો પણ છે...