બલદાણા પાસે ટ્રાવેલ્સ સાથે ટ્રક ભટકાતાં 2ના મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી નેશનલ હાઇવે બલદાણાથી અંદાજે 2 કિલોમીટર દૂર ડિવાઇડર કૂદીને રોંગસાઇડમાં આવી રાજકોટ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ સાથે ભટકાતા અકસ્માત થયો હતો. આ ટ્રાવેલ્સમાં રહેલા 28 મુસાફરોમાંથી મહિલા સહિત 2 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 3 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

ઉપલેટા રહેતા અને ટ્રાવેલ્સના ચાલક ભરતભાઈ લાલજીભાઇ મારવણીયા અને જામજોધપુરના ક્લીનર કમલેશભાઈ સરમણભાઈ વાઢેર ખાનગી ટ્રાવેલ્સમાં 28 જેટલા મુસાફરો સાથે સુરત સચીનથી રાજકોટ, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર આવતા હતા. ત્યારબાદ રસ્તામાં ભરૂચમાં અડધો પોણો કલાક માટે જમવા રોકાઇ ટ્રાવેલ્સ લઇને ભરતભાઈ લીંબડી રાજકોટ નેશનલ હાઇવે રોડ બલદાણા ગામ પાસે પહોંચ્યા હતા. આ સમયે રાજકોટ તરફના ટ્રેક પરથી એક માલવાહક 14 ટાયરનો ટ્રક અચાનક પૂરઝડપે તેનો ટ્રેક છોડી ડીવાઇડર ટપી ટ્રાવેલ્સની ખાલી સાઇડના વચ્ચેના ભાગે ધડાકાભેર ભટકાયો હતો. એકાએક અકસ્માત થતાં ટ્રાવેલ્સના મુસાફરોમાં દેકારો અને રોકકળ થઇ હતી. જ્યારે ટ્રકચાલક ટ્રક મુકી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા 108 ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને લીંબડી અને સાયલા સારવાર માટે લઇ જવાયા હતા. આ ઘટનામાં ઉપલેટાના કંચનબેન સુભાષભાઈ બાબરીયા, જૂનાગઢ સાપુર ગામના પ્રીતભાઈ મનસુખભાઈ ગામીને ગંભીર ઇજાઓ થતા મોત થયુ હતું. જ્યારે જયદીપભાઈ મગનભાઈ, બીપીનભાઈ રતીલાલ અને સુભાષભાઈને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ટ્રાવેલ્સના ચાલક ભરતભાઈ મારવણીયાએ વઢવાણ પોલીસ મથકે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એચ.આર.જેઠી ચલાવી રહ્યાં છે. જ્યારે આ અક્માતમાં પાંચથી સાત લોકોને નાની મોટી ઇજા થઇ હોવાની શંકા સેવાઇ રહી છે.

ટ્રક 2 કિલોમીટર દૂર ડિવાઇડર કૂદીને રોંગસાઇડમાં રાજકોટ જતી બસ સાથે ધડાકાભેર અથડાઈ
ટ્રાવેલ્સ બસમાં સુતેલુ દંપતી ખંડિત થયું
ટ્રાવેલ્સમાં ઉપલેટાનું દંપતિ પણ મુસાફરી કરતું હતું. જેમાં સુતેલા પત્ની કંચનબેનને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. જ્યારે પતિ સુભાષભાઈ સવજીભાઈ બાબરીયાને ઇજા પહોંચી હતી.

હું તો મારા ટ્રેક પર જતો હતો ત્યાં જ ડિવાઇડર કૂદીને ટ્રક અથડાયો
હું ટ્રાવેલ્સ ચલાવીને સુરત સચીનથી રાજકોટ, ધોરાજી, ઉપલેટા, જામજોધપુરના પેસેન્જરો ભરી જામજોધપુર જવા રવાના થયો હતો. ત્યારે બલદાણા નજીક મારા ટ્રેકપર જતો હતો. ત્યાં જ ટ્રકચાલકે રોડ સાઇડ છોડી ડિવાઇડર ટપાડી રોંગ સાઇડમાં આવી ડિવાઇડર કૂદીને ટ્રક ટ્રાવેલ્સ સાથે ધડાકાભેર અથડાયો હતો. ભરતભાઈ લાલજીભાઈ મારવણીયા, ટ્રાવેલ્સનો ચાલક,ઉપલેટા