તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેતાઓની તારીખ ન મળતાં ત્રણ વાર ગરીબ કલ્યાણ મેળાની તારીખ બદલાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ખાતે 3 જાન્યુઆરીએ ગરીબ કલ્યાણ મેળો કોઇ પણ જાતની જાણ કર્યા વગર રદ્દ થતાં લાભાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. મેળો રદ્દ થવા અંગે વિરોધાભાસી કારણો અપાયાં હતાં.

સુરેન્દ્રનગરના આનંદભુવનમાં ગુરુવારે ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો હતો. જેના 580 લાભાર્થીઓને તંત્ર દ્વારા પત્ર લખી જાણ કરી દેવામાં આવી હતી પરંતુ ગુરુવારે સવારે વિવિધ સહાયની કીટ લેવા આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને માત્ર પુઠ્ઠા પર મેળો રદ્દ કરવામાં આવ્યો હોવાનું બોર્ડ વાંચવા મળતા ધરમધક્કો ખાવાની નોબત આવી હતી. આથી રોષે ભરાયેલા લાભાર્થીઓએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. બનાવની ગંભીરતાને પારખી તંત્રના આલા અધિકારીઓ આનંદભુવન દોડી આવ્યા હતા. અને મેળા માટે એસટી બસની વ્યવસ્થા ન થઇ હોવાથી મેળાની તારીખમાં ફેરફાર કર્યો હોવાનું કહી લાભાર્થીઓનો રોષ ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખરેખર તો જે નેતાઓના હસ્તે લાભાર્થીઓને કીટનું વિતરણ કરવાનું હતું તેમની તારીખો ન મળતા મેળાની તારીખમાં ફેરફાર કરાયો હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે. એસ ટી બસનું તો ખાલી બહાનુ઼ જ હતું કારણ કે 3 જાન્યુઆરી માટે તંત્રએ બસની કોઇ માંગણી જ કરી નહોતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ડો. મનિષકુમાર બંસલે જણાવ્યું કે સૌ પ્રથમ ગરીબ મેળાની તારીખ 3 જાન્યુઆરી નક્કી થઇ હતી. પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે રાજ્યકક્ષાએથી જ તારીખમાં ફેરફાર કરાતા 5 જાન્યુઆરી નક્કી થઇ હતી. પરંતુ 5 તારીખે એસટી બસની વ્યવસ્થા થઇ શકે તેમ ન હોવાથી તારીખ 8 જાન્યુઆરીના રોજ ગરીબ મેળો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...