તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડમાં દર વર્ષે 2500થી વધુ ચકલી ઘરનું વેચાણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચકલીને બચાવવા માટે અનેક પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે ઝાલાવાડના મોટાભાગના ઘર આજે ચકલીનું આશ્રય સ્થાન બની ગયા છે. જિલ્લાના લોકોમાં ચકલીને બચાવવા માટે મોટી જાગૃતતા આવી છે. આથી જ દર વર્ષે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે. અને આ ચકલી ઘર લોકો પોતાના ઘરના આંગણામાં બાંધીને ચણ અને પાણીની પણ વ્યવસ્થા કરે છે.

વિશ્વ ચકલી દિવસ આવે ત્યારે સામાન્ય રીતે લોકો ચકલીને યાદ કરતા હોય છે. ઇન્ડીયન કાઉન્સલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના સર્વે અનુસાર આંધ્રપ્રદેશમાં ચકલીનો સૌથી વધુ 80 ટકા ઘટાડો નોંધાયો છે. જયારે ગુજરાત, કેરલ અને રાજસ્થાનમાં 20 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 થી 80 ટકા જેટલો ચકલીની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે જે ખરેખર ચિંતાનો વિષય છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ચકલીને બચાવવા માટે અસરકારક અભિયાન ચાલી રહ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક લોકોએ પોતાના ઘરમાં 2 થી લઇને 10 સુધીના ચકલી ઘર લગાવેલા જોવા મળે છે. આટલુ જ નહી પરંતુ ચકલીના ચણની સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવા અનેક ઘરમાં ચકલી ઇંડા મુકીને પોતાના બચ્ચા સાથે વસવાટ કરતી થઇ છે. જે ખરેખર સારી બાબત છે. પરંતુ તેમ છતા ખાસ કરીને ચકલીના બચ્ચા માટેનો જીવાતનો જે ખોરાક ઓછો થઇ રહ્યો છે તે બાબત ચિંતાનો વિષય બની ગયો છે.

સંસ્થાઓ દ્વારા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ

ચકલીને બચાવવા માટે જિલ્લામાં ખાસ કરીને અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. સંસ્થાઓ દ્વારા પુંઠામાંથી બનાવેલા ચકલી ઘરનું લોકોને વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે અંદાજે 2500થી વધુ ચકલી ઘર લોકો પોતાના ઘરે લઇ જાય છે. અને તેમાં ચકલી માળો બાંધી રહે તે માટેની વ્યવસ્થા પણ કરે છે.

ચકલી અને ચકો જીવે ત્યા સુધી સાથે રહે છે

ચકલીની કુટુંબ વ્યવસ્થા ખુબ સારી હોય છે. ચકી અને ચકો જયા સુધી જીવે ત્યા સુધી એક બીજાની સાથે જ રહે છે. બેમાથી કોઇ એકનું મૃત્યુ થાય પછી જે તે નવા સાથીદારની સાથે રહે છે. નર માળો બનાવે છે. સામાન્ય રીતે ચકલી 4 થી 5 ઇંડા મુકે છે. પરંતુ રેર કેસમાં એક સાથે 10 ઇંડા મુકયા હોવાનું પણ નોંધાયુ છે. એક વાર મુકેલા ઇંડા કોઇ ખાઇ જાઇ કે ફુંટી જાય તો તે ફરીથી ઇંડા મુકવાની કુદરતી બક્ષીસ ધરાવે છે. કયારેક ચકલી બીજાના માળામાં જઇને ઇંડા મુકી આવે છે. જેની બીજી ચકલી પ્રેમથી સેવીને બચ્ચાને મોટા કરે છે. ઇંડામાંથી 13 થી 14 દિવસે બચ્ચા બહાર આવી જાય છે. અને એકાદ મહિનામાં બચ્ચા મોટા થઇ જાય છે. બચ્ચા મોટા થઇ જાય પછી નર બચ્ચાને માળામાંથી કાઢી મુકે છે. > દેવવ્રતસિંહ મોરી, પક્ષીવિદ અને સંશોધક, એક્ષપર્ટ વ્યૂ


આ સાત કારણોથી ચકલીની વસ્તી ઝડપથી ઘટી રહી છે


ચકલીની ઘટતી વસ્તીમાં સૌ પ્રથમ શિકારી પ્રાણી અને પક્ષી છે. આ ઉપરાંત ખોરાકનો અભાવ, બચ્ચાને પચે તેવો ચૂસિયા જીવડાનો ખોરાક ઘટી ગયો, ચકલી માળો બાંધી શકે તેવા મકાનો રહ્યા નથી. અને મોબાઇલ ટાવર સહિતના પ્રદુષણથી ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.


ચિંતાનો વિષય : બચ્ચાને પચે તેવો ચૂસિયા જીવડાનો ખોરાકની ઘટ તે ચિંતાનો વિષય

અન્ય સમાચારો પણ છે...