તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાનના યુવાનને કેસ પાછો ખેંચવા મારી નાખવાની ધમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનના અશોકભાઇ વનુભાઇ વારેવાડીયા નામના યુવાનને લૂંટના ગુનામાં સુરેન્દ્રનગર જેલમાં રહેલા હીતેશ ગોગીયા અને કમલેશ ગોગીયાએ ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર ફેલાઇ છે. આ બંને શખ્સો વિરૂધ્ધ અશોકભાઇએ થાન પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પાછો ખેંચી લેવા માટે ફોન કરી ગાળો આપી ધમકી આપતા હોવાની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

થાન જોગઆશ્રમ પાછળના વિસ્તારમાં રહેતા અશોકભાઇ વારેવાડીયાને હિતેશ ગોગીયા અને કમલેશ ગોગીયાએ અંદાજે 6 માસ અગાઉ માર મારી લૂંટ ચલાવી હતી. આ અંગે અશોકભાઇએ થાન પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં હિતેશ ગોગીયા અને કમલેશ ગોગીયા બંને સુરેન્દ્રનગર જેલમાં છે ત્યારે આ બંને શખ્સોએ ફોન પર અશોકભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે અશોકભાઇએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રીના સમયે હિતેશ અને કમલેશનો ફોન આવ્યો હતો અને કહ્યું કે અમારા વિરૂધ્ધનો કેસ પાછો ખેંચી લેજે નહીંતર જાનથી મારી નાંખીશું અને અમારે ભલે અત્યારે 2 કે 5 વર્ષની સજા ભોગવવી પડે પણ તને બૈરા છોકરા વગરનો કરી દેશું માટે કેસમાં સમાધાન કરી લે. આ અંગે થાન પીએસઆઇ એ.વી.પાતાળીયાએ જણાવ્યું કે આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ હાલ બંને શખ્સો જેલમાં હોઇ કોર્ટની મંજુરી લઇ બંને શખ્સોની પુછપરછ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...