વઢવાણ વોર્ડ નં.8માં પ્રા. સુવિધા ન હોવાથી મતદાનનો બહિષ્કાર કરીશું : મહિલાઓ
સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની ચૂંટણીનો ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા આવે તેવો ઘાટ સર્જાતા થોડા દિવસો પહેલા વઢવાણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 8માં સીધ્ધનાથ સોસાયટીમાં સ્થાનિકોએ કોઇ પણ નેતાઓએ મત માંગવા ન આવવું તેવા બેનરો લગાવતા ચકચાર ફેલાઇ હતી. ત્યાં ફરી ગુરુવારે વઢવાણ નગરપાલિકા વોર્ડ નં. 8 શિયાણીપોળ બહાર, લીંબડી રોડ પોલીસચોકી સામે રહેતી 10થી વધુ મહિલાઓ ગટરના પાણી પ્રશ્ને તેમજ પ્રાથમિક સુવિધા ન હોવાની રાવ સાથે પાલિકાએ ધસી મૌખિક રજૂઆત કરી હતી.
ગટરના ગંદા પાણી દૂર કરાવીને સમસ્યા હલ કરવા માંગ કરી હતી. વઢવાણ વિધાનસભા વિસ્તાર,ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. છેલ્લા 20 વર્ષથી રહીએ છીએ. વિસ્તારમાં કોઇપણ જાતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડી નથી. અમે લોકો નગરપાલિકાના ટેક્સબીલો તેમજ સરકારી વિઘોટીઓ નિયમિત ભરીએ છીએ.
આથી આ અંગે ઝડપથી કાર્યવાહી હાથ ધરી ગટર, પીવાના પાણી, લાઇટ તેમજ રસ્તાની સુવિધાઓ પુરી પાડવાની લેખિત બાંહેધરી મળશે તો જ મતદાન કરીશું. નહીં તમામ રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી ચાલુ લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર વી.વી.રાવળે જણાવ્યું કે, આ વિસ્તારની મહિલાઓએ મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ રહીશોએ જ આ વિસ્તારના ભૂર્ગભ ગટરના પાઇપ તોડી નાંખતા પાણી બહાર આવ્યા છે. આ વાત મહિલાઓએ પણ સ્વિકારી હતી. તેમ છતાં તપાસ કરાવીને પ્રશ્ન હલ કરાશે.
લીંબડી રોડ પોલીસચોકી સામેના વિસ્તારની મહિલાઓ પ્રાથમિક સુવિધાની રજૂઆત લઇને પાલિકામાં ધસી આવી હતી