તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે 2 વિસ્તારની મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 2 અને 3 હરસિધ્ધી પાર્ક, ગાયત્રી પાર્ક, નિલકંઠનગર, મિત્રમંડળ સોસાયટી સહિતના વિસ્તારોમાં અપુરતા અને ગંદા પાણી વિતરણ, રસ્તા તેમજ ભૂગર્ભ ગટરની સમસ્યાઓને લઇને રોષે ભરાયેલી મહિલાઓ પાલિકા કચેરીએ ધસી આવી હતી. આ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીના પોકારો લાગવા લાગ્યા છે અને લોકોને પીવા માટે શુદ્ધ પાણી ન મળતાં નાછુટકે પૈસા ખર્ચીને ટેન્કરો મંગાવવાની નોબત આવે છે. બીજી તરફ ગટરો બ્લોક થઇ જતાં ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે પાલિકાતંત્ર દ્વારા તાકિદે સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

દિવાળીના સમયથી પાણીના ટેન્કર મંગાવીએ છીએ
વોર્ડ નંબર 2 માં આવેલી મિત્રમંડળ સોસાયટીની મહિલાઓએ રજૂઆત કરતા જણાવ્યું કે અમારા વિસ્તારમાં રસ્તા અને પાણીમાંથી 1 પણ સુવિધા નથી. નવી પાણીની લાઇન નાંખવા માટે બધા રસ્તા ખોદી નાંખ્યા બાદ આજ દિવસ સુધી રસ્તા બન્યા નથી. તેમજ દિવાળીના સમયથી પાણી મળતું નથી અને જો પાણી આવે છે તે પણ તીવ્ર વાસવાળું આવે છે. પાલિકા દ્વારા 15 દિવસમાં પાણી વિતરણ નહીં કરાય તો પાલિકા કચેરીમાં જ ધરણા પર બેસી જવાની ચિમકી ઉચ્ચારી હતી. પવડી શાખાના નિલેશભાઇ દૂધરેજીયાએ જણાવ્યું કે કોઇ જગ્યાએ લાઇન લીકેજના કારણે સમસ્યા સર્જાઇ હશે.

નવી કે જૂની 1 પણ લાઇનમાં પાણી આવતું નથી
સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 3 માં આવેલા હરસિધ્ધી પાર્ક, ગાયત્રીનગર સહિતના વિસ્તારોની મહિલાઓએ રજૂઆત કરતા જણાવ્યું કે નવી લાઇન કે જુની લાઇન એક પણ પાણી આવતું નથી અને વારંવાર ખુલ્લી ગટરો ઉભરાઇને રસ્તા પર ગંદા પાણીના ખાબોચીયા ભરાય છે. અનેકવાર રજૂઆતો કરી છે છતાં આજ દિવસ સુધી કોઇ કાર્યવાહી કરાઈ નથી. આ અંગે પાલિકાના સેનીટેશન ઇન્સ્પેક્ટર છત્રપાલસિંહ ઝાલાએ જણાવ્યું કે વિસ્તારમાં ખુલ્લી ગટરો બુરી દેવાના કારણે ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાઇ હતી જેથી તાત્કાલીક માણસો મોકલી ગંદા પાણીનો નિકલા કરી રહીશોની મુશ્કેલી દુર કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...