ડુપ્લીકેટ ચૂનાના પાર્સલનું ગામડાઓમાં વેચાણ કરાતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરના કરમણપરામાં કોપીરાઇટના ભંગની ફરિયાદને આધારે દરોડો કરી રૂપિયા 1.23 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં કોઇને ખબર ન પડે તે માટે બન્ને શખ્સો જિલ્લાના ગામડાઓમાં જ ડુપ્લીકેટ ચૂનો વેચતા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યુ હતુ.

કોપીરાઇટ અને ટ્રેડમાર્કના હિતોનું રક્ષણ કરતી કંપની એમ ફોર ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટસ સર્વીસીસના માલીક હીરેનભાઇ મુકેશભાઇ પટેલને સુરેન્દ્રનગરના કરમણપરામાં મકાનમાં સીધ્ધાંત ચૂનાનું ડુપ્લીકેશન કરી કોપીરાઇટનો ભંગ થતો હોવાની માહિતી મળી હતી. આથી પોલીસને સાથે રાખી બુધવારે મોડી સાંજે રેડ કરાઇ હતી. જેમાં 31 વર્ષીય હર્ષદ પ્રતાપભાઇ ખોખલીયા અને 32 વર્ષીય પરેશ ગોવિંદભાઇ આહજોલીયાને ચૂનાના પાર્સલની કોથળી, મશીનરી સહિત રૂપિયા 1.23 લાખના મુદ્દામાલ સાથે પકડી લેવાયા હતા.

આ કેસના તપાસકર્તા અધિકારી પીએસઆઇ સી.એચ.શુકલે જણાવ્યુ કે, બન્ને શખ્સો કોઇને ખબર ન પડે તે માટે ચૂનાના ડુપ્લીકેટ પાર્સલ સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં જ વેચતા હતા. જેમાં કંપનીના ઓથોરાઇઝ ડીસ્ટ્રીબ્યુટર દ્વારા જતો માલ ઓછો થતા તપાસ કરતા ત્યાં ડુપ્લીકેટ ચૂનો જતો હોવાનું ધ્યાને આવતા રેડ કરાઇ હતી. કોપીરાઇટ ભંગનો ગુનો જામીનલાયક ગુનો હોઇ બન્ને શખ્સોને હાલ જામીન પર મુકત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...