ભોગાવા નદી કાંઠે કુંભારપરામાં ઢોર બાંધવાના વાડા અંગે વિવાદ
સુરેન્દ્રનગરના મધ્યમાંથી પસાર થતી ભોગાવા નદીના કાંઠે માલધારી પરિવાર વસવાટ કરે છે. જેમાં ઢોર બાંધવાના વાડાને દૂર કરવા પાલીકાએ નોટીસ પાઠવતા કલેકટર અને નગરપાલીકામાં માલધારી પરિવારે રજૂઆત કરી છે.
સુરેન્દ્રનગર ભોગાવા નદીના કાંઠે કુંભારપરામાં માલધારી પરિવારો વસવાટ કરે છે. જેમાં હકુબેન સુરાભાઇ મકવાણાને 1983ના વર્ષમાં મળેલી જમીન પર તેમનો પરિવાર ઢોર બાંધી પશુપાલનનો વ્યવસાય કરે છે. વર્ષ 2007માં આ જમીન ગોપાલભાઇ સુરાભાઇના નામે કરવા કલેકટર કચેરીમાં રજૂઆત પણ કરાઇ હતી. તેમ છતાં સુરેન્દ્રનગર પાલીકા દ્વારા ગેલાભાઇ મકવાણાના નામે નોટીસ ઇસ્યુ કરી દિન-7માં બાંધકામ દૂર કરવા નોટીસ પાઠવાઇ છે. આથી ગેલાભાઇએ કલેકટર કચેરી અને નગરપાલીકાના ચીફ ઓફિસરને લેખીત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયા મુજબ આ જગ્યા પર છેલ્લા 30થી 35 વર્ષથી અમો પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે 10 વર્ષ કરતા વધુ કબજાવાળી જમીન અંગે હૂકમ કર્યો હોઇ અમોએ વર્ષ 2007માં અરજી કરી હતી. તેમ છતાં કોઇ નિર્ણય આવેલો નથી. આથી આ અંગેનો નિર્ણય ન આવે ત્યાં સુધી બાંધકામ દૂર કરવાની કોઇ કાર્યવાહી ન કરવા રજૂઆતના અંતે માંગ કરાઇ છે. પશુ બાંધવાનો વાડો દૂર કરવાથી ગાય, ભેંસ, વાછરડા, પાડા સહિતના પશુઓ રસ્તા પર આવે તો તેની જવાબદારી તંત્રની હોવાનું પણ રજૂઆતના અંતે જણાવાયુ છે.