1 વર્ષ કરતા વધુ સમયથી ગેરહાજર રહેનારા 4 શિક્ષકોને ડીસમીસ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળામાં અમુક શિક્ષકોનું ફકત ચોપડે નામ જ બોલતુ હોય છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આવા શિક્ષકો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શિક્ષકોને ત્રણ-ત્રણ વાર નોટીસ આપવા છતાં હાજર ન થતા અંતે નોકરીમાંથી ડીસમીસ કરવાનો હૂકમ કર્યો છે. આ શિક્ષકોની જગ્યાએ અન્ય શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લાની 950થી વધુ પ્રાથમિક શાળાઓમાં 6 હજારથી વધુ શિક્ષકો ફરજ બજાવે છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ચેકિંગ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.એચ.ચૌધરીને અમુક શિક્ષકો છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી નોકરી પર ન આવતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. કપાત પગારે આ શિક્ષકો સતત લાંબી રજાઓ પર રહેતા હોવાથી શિક્ષણ કાર્યને અસર થતી હતી. આ ઉપરાંત શાળામાં શિક્ષકોનું મહેકમ થઇ જતુ હોવાથી અન્ય શીક્ષકોને પણ ત્યાં મૂકી શકાતા ન હતા. આથી છેલ્લા એક વર્ષમાં આવા શિક્ષકોને ત્રણ વાર નોટીસો પાઠવી રૂબરૂ બોલાવાયા હતા. પરંતુ કોઇ શિક્ષક હાજર ન થતા અંતે તા. 7 સપ્ટેમ્બરના રોજ જાહેર વિજ્ઞપ્તી પ્રસીધ્ધ કરીને તેમને 7 દિવસમાં હાજર થવા અંતીમ મહોલત અપાઇ હતી. પરંતુ શિક્ષકો તેમ છતાં હાજર ન થતા જિલ્લાના ચાર શિક્ષકોને ડીસમીસ કરવાનો હૂકમ કરાયો છે. આ શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર બીજા શિક્ષકોને મૂકી શિક્ષણ કાર્યને આગળ ધપાવાશે.

ક્યાં ક્યાં શિક્ષકને ડીસમીસ કરાયા
શિક્ષકનું નામ નોકરીનું સ્થળ

પ્રિયંકાબેન નટવરભાઇ પ્રજાપતિ દેગામ પ્રાથમિક શાળા, પાટડી

દીપકભાઇ કાંતીભાઇ પ્રજાપતિ દેગામ પ્રાથમિક શાળા, પાટડી

અલ્પાબા મનહરસિંહ પરમાર રતનપર પ્રાથમિક શાળા, સુરેન્દ્રનગર

જયોતીબેન રમણભાઇ પટેલ ટોકરાળા પ્રાથમિક શાળા, લીંબડી

અન્ય સમાચારો પણ છે...