જિલ્લામાં 35 % ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ વાપરતા નથી છતાં 66 હજાર નવા કઢાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં 1,21,167 ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. પરંતુ અંદાજીત 35 ટકા ખેડૂતો આ કાર્ડનો નહિંવત ઉપયોગ કરતા હોવાથી તંત્ર દ્વારા હવે બાકી રહેલા 66 હજારથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પર રૂપિયા 1.60 લાખનું ધિરાણ તેમની ખેતીની જમીન પર કોઇ જાતના બોજો પાડ્યા વગર આપવાનો નિર્ણય કરાયો છે. જેથી કાર્ડ દ્વારા ખેડૂતો જરૂરીયાત મુજબ રૂપિયા ઉપાડી શકશે અને તેટલું
વ્યાજ થશે.

જિલ્લામાં 1.87 લાખથી વધુ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ લઇ રહયા છે. જેમાંથી 1,21,167 ખેડૂતોએ બેંક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ અપાયા છે. પરંતુ ગામડામાં સગવડતાના અભાવ, અપુરતા શિક્ષણને કારણે અંદાજે 35 ટકા ખેડૂતો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નથી.

આથી જ કલેકટર કે.રાજેશના માર્ગદર્શનથી જે ખેડૂતોએ હજુ કાર્ડ નથી લીધા તેવા અંદાજે 66 હજાર ખેડૂતો આ કાર્ડ આપવા માટે કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આટલુ જ નહી પરંતુ જે ખેડૂતો કાર્ડનો ઉપયોગ નથી કરતા અને કાર્ડ બંધ થઇ ગયા છે તેઓ વિના મુલ્યે કાર્ડ ચાલુ કરાવી શકશે.

જે ખેડૂતનું કાર્ડ બંધ થયું છે તે વિનામૂલ્યે ચાલુ કરાવી શકશે

જિલ્લામાં અગાઉ 1,21,167 ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવેલા છે. જેમાં ઘણાં ખેડૂતોના કાર્ડ બંધ થઇ ગયા હોવાની ફરીયાદો ઉઠી રહી હતી. ત્યારે સરકાર દ્વારા જાહેર કરેલ તારીખ મુજબ 23 ફેબ્રુઆરી સુધીમાં જે ખડૂતોના કાર્ડ બંધ થઇ ગયા હશે તે ખેડૂતો પણ કાર્ડ ચાલુ કરાવી શકશે જેના માટે ખેડૂતોએ કોઇ ચાર્જ ચૂકવવો નહીં પડે.

ખેડૂતોનો ટાઇટલ ક્લીયર, સર્ટિફિકેટનો ખર્ચ બચી જશે

કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ખેડુતોને રૂપિયા 1.60 લાખ સુધીનું ધિરાણ માટે તેમની જમીન પર બોજો ઉભો કરવામાં નહીં આવે. જેથી ખેડૂતોને જમીનના ટાઇટલ ક્લીયર સર્ટીફીકેટ માટે થતો ખર્ચ અંદાજે રૂપિયા 2000 થી 2500 જેટલો થતો હોય છે તેની બચત થશે જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. > પી.બી.જોષી, મેનેજર લીડ બેંક, સુરેન્દ્રનગર

KCC લેવા ખેડૂતે શું કરવું પડશે ?

ખેડૂતોએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ ભરી સ ગ્રામપંચાયતના તલાટી અથવા તો જે બેન્કમાં પાકધિરાણ લેતા હોય તે બેન્કમાં પણ આપી શકશે.ફોર્મમાં કેટલી જમીન, ક્યા પાકનુ઼ વાવેતર જેવી વિગતો આપવાની રહેશે.

નવા કાર્ડધારકોને જમીન પર બોજો પાડ્યા વિના 1.60 લાખનું ધિરાણ મળશે

અન્ય સમાચારો પણ છે...