તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશની 10 દુર્લભ શાળામાં પસંદગી પામેલી રણ તંબુશાળા આગામી સમયમાં ભૂતકાળ બનશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી: થોડા સમય અગાઉ રણમાં યુ.કે.થી આવેલી એક સંસ્થાએ રણ તંબુશાળાનો દેશની 10 દુર્લભ શાળામાં સમાવેશ કર્યો હતો. પરંતુ ચાલુ વર્ષથી રણમાં મીઠું પકવતા અગરિયા ભુલકાઓ બસશાળામાં શિક્ષણ મેળવશે. આથી દેશની 10 દુર્લભ શાળામાં પસંદગી પામેલી રણ તંબુશાળા હવે ભૂતકાળ બનશે. રણમાં કાળી મજૂરી કરતા અગરિયાઓના ભુલકાઓ માટે શિક્ષણ મેળવવું એક કઠોર સાધના સમામ છે.

 

ગુજરાતની એકમાત્ર વેરાન રણમાં કંતાનના ઝુંપડામાં ચાલતી રણ શાળા


ભારતમાં અપાતા શિક્ષણના સર્વે માટે છેક યુ.કે.થી આવેલી ખાસ ટીમે ગોઇગ ટુ સ્કૂલ ઇન ઇન્ડિયા નામના પ્રોજેક્ટ હેઠળ યુ.કે.ની શિક્ષિકા લીઝા હેડલૌફે પોતાની ટીમ સાથે ભારતના તમામ રાજ્યોમાં ખુણેખાંચરે આવેલા સ્થળોની મુલાકાત લઇ તેના પર ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી હતી. જેમાં રાજસ્થાનમાં ફાનસના અજવાળે ચાલતી રાત્રી શાળા, કોલકત્તામાં વ્હિલચેર પર ચાલતી શાળા, લદાખમાં પર્વતની ટોચ પર ચાલતી શાળા, ઓરિસ્સામાં ટેકરી પર ચાલતી શાળા, આંન્ધ્રપ્રદેશમાં પાણીમાં હોડીમાં ચાલતી શાળા, કાશ્મિરમાં સરોવરની વચ્ચે ટાપુમાં ચાલતી શાળા, જૂની દિલ્હીમાં ગીચ ગલીમાં ચાલતી શાળા, લદાખમાં મઢમાં ચાલતી શાળા અને મુંબઇમાં બસમાં ચાલતી એક શાળા સહિત ગુજરાતની એકમાત્ર વેરાન રણમાં કંતાનના ઝુંપડામાં ચાલતી રણ શાળાનો દેશની દશ દુર્લભ શાળામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.


રણમાં વર્ષોથી તંબુમાં ચાલતી આ અનોખી શાળા 3 ફુટ જમીનની અંદર અને 4 ફુટ જમીનની ઉપર બનાવવામાં આવતી હતી. જેથી રણમાં મીઠું પકવતા અગરિયા ભુલકાઓને રણમાં પડતી શીયાળાની કારમી ઠંડી અને ઉનાળાના આકરા તાપની કોઇ પ્રતિકૂળ અસર ના થાય. પરંતુ દેશની 10 દુર્લભ શાળામાં પસંદગી પામેલી એક સમયની રણ તંબુશાળા હવે ભવ્ય ભૂતકાળની ગર્તામાં ધકેલાઇ જશે. કારણ કે, ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલુ વર્ષથી રણમાં મીઠું પકવતા અગરિયા ભુલકાઓને એસ.ટી.નિગમની જૂની મોડીફાય કરેલી બસમાં શિક્ષણ આપવામાં આવશે. આવતા મહિનાથી રણના 400 જેટલા અગરિયા ભુલકાઓને રણબેઠા બસશાળામાં પ્રાથમિક શિક્ષણનું ભાથું અપાશે.