તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરની સબ જેલમાં માત્ર બેરેક બદલવાના રૂ.2000 લેતાં જેલ સહાયક પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની સબ જેલમાં માત્ર બેરેક બદલવા માટે રૂપિયા 2 હજારની લાંચ લેવામાં આવતી હોવાનો પર્દાફાશ એસીબીએ કર્યો છે. જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થયેલા વ્યકિતએ એસીબીને જાણ કરી હતી. જેના આધારે ગોઠવાયેલા છટકામાં જેલ સહાયક વતી જેલની સામે જ જનરલ સ્ટોર્સ ચલાવતા વ્યકિતએ રૂપિયા 2 હજાર લેતા રંગેહાથ ઝડપી લેતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ફરિયાદી તા. 8થી 11 ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગરની સબ જેલમાં રહ્યા હતા. તેમને ફાળવેલી 4 નંબરની બેરેકમાં વધુ કેદી હોય તેમ જેલ સહાયક સુરેશભાઈ ભીખુભાઈ જોગરાણાને બેરેક બદલાવા કહ્યુ હતુ. આથી તેમણે રૂ. 2,500ની માંગણી કરી હતી. 

 

સુરેન્દ્રનગરની જેલમાં પૈસા આપો ને સગવડ મેળવો

 

અંતે રૂ. 2,000માં નક્કી થતા બેરેક નં. 1માં કેદીને ફેરવી દીધા હતા. બાદમાં આરોપી જામીન પર મુકત થયા બાદ જેલ સહાયકે પૈસાની માંગણી કરી હતી. આથી આરોપીએ એસીબીને જાણ કરી હતી. જેલ સહાયક સુરેશભાઇ જોગરાણાએ જેલની સામે આવેલા જનરલ સ્ટોર્સમાં રૂપિયા 2 હજાર આપવાનું કીધુ હતુ. આથી એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જેમાં જનરલ સ્ટોર્સમાં બેઠેલા મોહસીમ હનીફભાઇ મુલતાનીએ રૂ. 2 હજાર સ્વિકારતાની સાથે એસીબી પીઆઈ એમ.બી.જાની, પી.પી.પરમાર, રાજેન્દ્રગીરી, દશરથસિંહ   સહિતની ટીમ ત્રાટકી હતી. પોલીસ સહાયક તથા જનરલ સ્ટોર્સનાં માલિક બંનેને પકડી લેવામાં આવ્યા છે. જેલમાં સગવડતા આપવા માટેના કેવા ભાવ હોય છે તે જેલમાં રહી આવેલા કેટલાક કેદીનો સંપર્ક કરી તપાસ કરી તો ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

 

મોબાઇલ  બિનવારસી દેખાડવાના 10-20 હજાર
 

સુરેન્દ્રનગરની જેલમાં અવારનવાર જેલ સ્ટાફ દરોડા કરીને મોબાઇલ ઝડપી લે છે. જેમાં કેદી પાસેથી જો મોબાઇલ મળી આવ્યો હો તો તેને બિનવારસી દેખાડવાના અને બેરેક કે અન્ય સ્થળેથી મળી આવ્યો હોવાનું દર્શાવવાના રૂપિયા 10 થી 20 હજાર લેવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે.