તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં પોલીસ ડર ઓસર્યો, સુરેન્દ્રનગરના બજાણામાં આધેડને લાકડીઓ ફટકારી લોહીલુહાણ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર: ગુજરાતમાં પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય અને ગુનેગારો માટે મોકળું મેદાન હોય તેવો બનાવ સુરેન્દ્રનગરના બજાણામાં બન્યો છે. જેમાં  મહિલાની નજર સામે જ આધેડ પતિને ગુનેગારોએ મોતને ઘાટ ઉતાર્યો હતો. ગામ પરથી પસાર થતાં હાઈવે પર એક આઘેડને પગ પર ચાર વ્યક્તિ લાકડી ફટકારીને લોહીલુહાણ કરી દીધો હોવાનો એક વીડિયો બહાર આવ્યો છે. આઘેડને બચાવવા માટે એક મહિલા ભઈસા'બ બચાવો. એને ના મારો એવી બૂમો પાડી રહી છે. છતાં ખૂન સવાર ચારેય ઈસમ આધેડને બેફામ રીતે માર મારી રહ્યા છે.

શું દેખાય છે વીડિયોમાં?


સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામ પર પસાર થતાં હાઈવે પર એક આધેડ હાઈવે પડ્યો છે. તેને પગમાં ઈજા થઈ છે અને ના મારો તેવી વિનંતી કરી રહ્યો છે. પરંતુ તેના પર યમદૂત બનીને તૂટી પડેલા ચાર ઈસમ વારફરતી આધેડના પગ પર લાકડી વડે પ્રહાર કરે છે. કોઈજાતની દયા રાખ્યા વગર લાકડીઓને ચારેય જણ વાર કરતાં રહે છે. એક મહિલા બચાવવા માટે હાઈવે પરથી પસાર થતાં લોકોને બોલીને વિનવણી કરતી સંભળાય છે. આધેડને માર મારતાં પૈકીનો એક વ્યક્તિ એમ કહે છે કે તારો છોકરો મર્ડર કરશે એવા સવાલ સાથે માર મારવાનું ચાલુ રાખે છે. મહિલા પણ આધેડને છોડી દેવા માટે વિનંતી કરતી રહે છે.

 

કેવી રીતે બન્યો બનાવ

 

હનીફખાન મલેકના પિતા હબીબખાન સાહેબખાન મલેક અને એમના પત્ની સામબાઇ બાઇક લઇને કામલપુર જઇ રહ્યાં હતા. ત્યારે બજાણા રેલ્વે ફાટક પાસે અગાઉથી પ્લાન બનાવીને ઉભેલા ચારથી પાંચ શખ્સોએ ધારીયા અને ધોકા વડે આ દંપતી પર તૂટી પડ્યા હતા. બન્નેને ગંભીર હાલતમાં સારવારાર્થે પાટડી સરકારી દવાખાને લઇ જવાતા હબીબખાન સાહેબખાન મલેકનું સારવાર દરમિયાન કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. અને ઘાયલ શામબાઇને રીફર કરાયા હતા. 

 

12 વર્ષ જૂના પ્રેમ લગ્નના બનાવમાં 3 મહિના પહેલા એક હત્યા

 

12 વર્ષ અગાઉ બજાણા ગામના ઇકબાલખાન રહેમતખાન મલેકે છાબલી ગામના ભીખુશા ચાંદશા ફકીરની દીકરી જાહેદાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેના લીધે બન્ને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેમાં આજથી ત્રણેક માસ અગાઉ ઇકબાલખાન મલેક પોતાના પિતા રહેમતખાન રાસાજી મલેક સાથે બજાણા દૂધની ડેરી પાસે આવેલી હોટલમાં ઊભા હતા ત્યારે કામલપુર ગામના હનીફખાન હબીબખાન મલેક સહિતના ચારથી પાંચ જેટલા શખ્સોએ છરી સહિતના સાધનો વડે હુમલો કરી રહેમતખાન રાસાજી મલેકને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હત્યાના બનાવમાં હનીફખાન હબિબખાન મલેક હાલ જેલમાં છે. 

 

ચારેય ગુનેગારોને ઝડપવા તપાસ હાથ ધરી

 

આ ઘટનાની જાણ થતા બજાણા પીએસઆઇ વી.બી.કલોતરા, મનીશભાઇ અઘારા સહિતના પોલિસ સ્ટાફે પાટડી સરકારી દવાખાને દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ કરાવી આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યાના આરોપીઓમાં સલીમ અશરફખાન મલેક, કામલપુર, ઇકબાલખાન રહેમતખાન મલેક, બજાણા, મહેબુબખાન માલાજી મલેક, કામલપુર, અકબરખાન રહેમતખાન મલેક,બજાણા, મોઇનખાન હમીરખાન મલેક, બજાણા, હનીફખાન અલેપખાન મલેક, બજાણાનો સામેલ છે. 

 

માહિતી અને વીડિયો: વિપુલ જોષી, સુરેન્દ્રનગર