મારા પુત્રને તેની માતા અને અન્ય વ્યક્તિએ મારી નાંખ્યો : પિતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતર: લખતર શહેરના મફતિયાપરામાં રહેતા યુવાનના રહસ્યમય મોતના બનાવમાં પોલીસતંત્ર દોડતુ થઇ ગયુ હતું. જેમાં મારા પુત્રને તેની માતાએ અને અન્ય વ્યક્તિએ મારી નાંખ્યો હોવાના મૃતકના પિતાએ કરેલા આક્ષેપોથી ખળભળાટ મચી ગયો હતો. લખતરનાં મફતિયાપરામાં રહેતા અને છૂટક મજુરી કરતાં મનુભાઈ જખવાડીયાના 18 વર્ષના  પુત્ર પ્રેમજીભાઈને વીજશોક લાગ્યાનો આજુબાજુના લોકો દ્વારા લખતરમાં 108ને ફોન આવ્યો હતો.આથી 108 પહોંચતા પ્રેમજીભાઈની હાલત બેભાન જેવી લાગતા લખતરની સામૂહિક કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

 

ફરજ પરના ડો. જીજ્ઞેશ મકવાણાએ પ્રેમજીભાઈને મૃત જાહેર કર્યા હતાં. આ ઘટના દરમિયાન મૃતક  પ્રેમજીનાં પિતા મનુભાઈને જાણ થતાં તેઓ દવાખાને દોડી આવ્યા હતા. જ્યાં તેમણે તેમનાં પુત્રને તેમની પત્ની અને અન્ય વ્યક્તિએ ગળે ફાંસો આપી મારી નાંખ્યાનું જણાવતાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવથી લોકોનો ટોળેટોળા લખતર સરકારી દવાખાને એકઠા થઇ ગયા હતા. જ્યારે મૃતક યુવાનના પિતાના આક્ષેપથી  પોલીસતંત્રમાં દોડધામ મચી હતી.

 

આ ઉપરાંત યુવાનનું મોત વીજશોકથી થયુ કે ગળેફાંસો ખાતા સહિતની ચર્ચાએ લખતર શહેરમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ અંગે લખતર પીએસઆઈ એમ.કે.ઇશરાણીએ જણાવ્યું કે, લખતરમાં મૃતક યુવાનનું પી.એમ. કરનાર સીએચસીના ડો. જીજ્ઞેશ મકવાણાએ મોતનું પ્રાથમિક કારણ ગળેફાંસો ખાધો હોવાનું જણાવ્યું હતું. આમ છતાં આ ઘટનામાં જે કાંઇ હશે તે અંગે પોલીસ તપાસ ચાલુ છે. પરિણામે મૃતકના પિતાને સાથે રાખીને આ બનાવમાં તપાસ હાથ ધરી છે.