રામપરા બે મિત્રોનાં મોતમાં વાઈરલ થયેલો વીડિયો કારણભૂત હોવાની ચર્ચા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર: રામપરા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બે મિત્રોની લાશ મળી આવી હતી. અરવિંદે જીગરજાન મિત્ર સંજયની હત્યા કરી ગળેફાંસો ખાઇ મોતને વહાલુ કર્યુ હતુ. આ બનાવના બે દિવસ બાદ પણ હત્યાનું કારણ બહાર આવ્યુ નથી. ત્યારે બે મિત્રોના મોતમાં વાયરલ થયેલ વીડીયો કારણભૂત હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. પોલીસે વાયરલ થયેલ વીડીયો હત્યામાં કારણભૂત હોવા તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


વઢવાણના રામપરામાં રહેતા બે મિત્રો સંજય સોમાભાઇ કોડીયા અને અરવિંદ શાર્દુળભાઇ દેત્રોજાની લાશ ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાંથી મંગળવારે બપોરે મળી આવી હતી. બન્ને મિત્રો બપોરે કોલ્ડ્રિંકસ અને ખારીસીંગ લઇને વાડીએ ગયા હતા. ત્યારબાદ એવુ તે શું બન્યુ કે અરવિંદને સંજયની હત્યા કરવી પડી અને અરવિંદે પોતે ગળેફાંસો ખાવો પડ્યો તેનું રહસ્ય બનાવના 48 કલાક બાદ પણ અકબંધ છે. પોલીસે ઘટનાસ્થળનું કરેલ નિરીક્ષણ, પરિવારજનો, વાડી માલીકના નિવેદનને આધારે હત્યા અને આત્મહત્યાનું કોઇ સબળ કારણ બહાર આવ્યુ ન હતુ.


બીજી તરફ બે મિત્રોના મોત પાછળ વાયરલ થયેલ વીડીયો કારણભૂત હોવાની ચર્ચાએ નાના એવા રામપરા ગામમાં જોર પકડયુ છે. આ વીડીયો કોને ઉતાર્યો અને શા માટે વાયરલ કર્યો અને હત્યા અને આત્મહત્યાના બનાવમાં વીડીયોનો શું રોલ છે તે તરફ અનેક અટકળો વહેતી થઇ છે.આ અંગે જોરાવરનગર પીએસઆઇ આર.એ.ઝાલાએ જણાવ્યુ કે, ઘટનાસ્થળેથી પોલીસે મૃતક સંજયનો મોબાઇલ કબજે કર્યો હતો. વીડીયો વાયરલની વાત અમારા સુધી પણ આવી છે. મૃતકનો મોબાઇલ લોહીથી ખરડાયેલો અને પાસવર્ડ પ્રોટેકટેડ હોવાથી હાલ તપાસ અર્થે એફએસએલમાં મોકલાયો છે.