તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર બસ સ્ટેશન સુધી 40 દબાણોનો સફાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર: વઢવાણ શહેરનાં માર્ગો પર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. જેમાં તા.11 ઓગસ્ટને શનિવારે  પાલિકા સહિતની ટીમો  દ્વારા ગેબનશા સર્કલથી સુરેન્દ્રનગર બસ સ્ટેશન સુધીના 40 જેટલા દબાણો દૂર કરાતા દબાણકર્તાઓમાં દોડધામ મચી હતી. જ્યારે 7 જેટલા દબાણો બાબતે કોર્ટમાં કેસ ચાલે છે જેને ઠેરના ઠેર રખાયા હતા. 

 

કોર્ટ કેસ ચાલતા 7 દબાણો જેમના તેમ રખાયા

 

વઢવાણ ગેબનશાપીર સર્કલથી સુરેન્દ્રનગર બસ સ્ટેશન વિસ્તાર સુધીમાં લારી-ગલ્લા, કેબીનો તેમજ દુકાનો કરીને દબાણો થયાનું ધ્યાને આવ્યુ હતું. આથી  પાલિકાની ટીમે સર્વે કર્યા બાદ દબાણકર્તાઓ લેખિત નોટિસ આપીને તાકીદ કરી હતી. પરંતુ આ નોટિસો ઘોળીને પી જતા હોય તેમ દબાણો જે તે સ્થળે યથાવત રહેતા પાલિકા તા.11 ઓગસ્ટને શનિવારે પાલિકા ટીમે 15થી વધુ માણસો  અને પોલીસ સાથે રાખીને કાર્યવાહી કરી હતી. જેમાં ગેબનશાપીર સર્કલથી લઇને માર્કેટિંગ યાર્ડ ચોકડી રોડ, જીઆઈડીસી રોડ, ઉપાસના સર્કલ સહિતના માર્ગોથી લઇને બસ સ્ટેશન સુધી 40 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. બીજી તરફ 7 જેટલા દબાણો બાબતે કોર્ટમાં કેસ ચાલે છે જેને ત્યાં જ રાખવામાં આવ્યા હતા.

 

દબાણો માટે અધિકારીઓ સહિત ત્રણ ટીમ

 

દબાણો દૂર કરવા ત્રણ વિભાગની ટીમો બનાવવામાં આવી હતી. જેમાં વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર વી.વી.રાવળ, પાલિકા એન્જિનિયર જયેશભાઈ સોલંકી, ઇશ્વરભાઈ પટેલ, જશુભા ઝાલા, ઇન્દુભા બારડ, વિક્રમસિંહ રાણા તેમજ સિટી સર્વેની ટીમ અને પીએસઆઈ જી.એમ.શ્યારા સાથે બી-ડિવીઝન પોલીસ ટીમને રાખવામાં આવી હતી.

 

80 દબાણકર્તાને પાલિકા દ્વારા નોટિસ આપી 7 દિવસની મુદત આપી હતી 

 

ગેરકાયદેસર દબાણો કરી નાંખેલા 80 જેટલા દબાણકર્તાઓને પાલિકા દ્વારા નોટિસ ફટકારાઇ હતી. જેમાં 7 દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવાની તાકીદ કરાઇ હતી. તેમ છતા આ નોટિસોની ઐસીતૈસી થતા લાલ આંખ કરીને પાલિકાની ટીમે કાર્યવાહી કરી હતી.

 

 

અન્ય સમાચારો પણ છે...