સુરેન્દ્રનગરઃ 10 હજારની વસ્તીને 4 દિવસે મળે છે દૂષિત પાણીના ઘુંટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ વઢવાણ નગરપાલિકાના વોર્ડ નં. 8માં ભૂગર્ભ ગટરના કામના સમયે પાણીની લાઇન તૂટી જતા અંદાજે 10 હજારથી વધુ વસ્તીને પીવાના પાણી સાથે ગટર મિશ્રીત પાણી આવતા પરેશાની સર્જાઇ છે. આથી પાલિકાના ચેરમેન, વોર્ડના સુધરાઇ સભ્યોએ લોકો સાથે કલેકટર કચેરીએ ધસી જઇને ઉગ્ર રજૂઆતો કરી હતી. આથી આ કામ તાકિદે જેસીબી જેવા સાધનોના બદલે માનવશ્રમ વડે કરાવવા માંગ કરાઇ છે. અન્યથા ઉપવાસ આંદોલનની ચીમકી અપાતા દોડધામ મચી હતી.
વઢવાણ પાલિકાના વોર્ડ નંબર 8ની કઠણાઈ: પાલિકા COએ એક જ વ્યકિતને ટેન્કરનો મોટો કોન્ટ્રાકટ આપી દીધાનો આક્ષેપ

વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં ઠેરઠેર વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે વઢવાણ ધોળીપોળથી શિયાણીની પોળ સુધી ચાલતા ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઇન લીકેજ થવાથી વોર્ડ નં. 8માં પીવાના પાણી સાથે ગટર મિશ્રીત પાણી આવે છે. આ અંગે કોન્ટ્રાકટર અને ચીફ ઓફિસરને આ વોર્ડના સુધરાઇ સભ્યો અને ચેરમેનોએ રજૂઆત કરતા પણ પ્રશ્ન હલ ન થતા ગુરૂવારે આ વિસ્તારની 50થી વધુ મહિલાઓને સાથે રાખી ચેરમેન અને સુધરાઇ સભ્યોએ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી.
પાલિકાના ચેરમેન, વોર્ડના સુધરાઇ સભ્યો સહિત 200થી વધુ લોકોએ કલેકટર કચેરીમાં હંગામો કર્યો

આ રજૂઆતમાં જણાવાયા મુજબ વોર્ડ નં. 8માં ચાર દિવસે પાણી આવે છે અને તે પણ ગટર મિશ્રીત પાણી આવતા લોકોના આરોગ્ય જોખમાઇ રહ્યા છે. જયારે પાલિકાના વોટરવર્કસ ચેરમેન હસમુખભાઇ પરમાર, સેનીટેશન ચેરમેન પુષ્પાબેન મહેન્દ્રભાઇ પરમાર, ગેરેજ સમિતિના ચેરમેન નર્મદાબેન દિનેશભાઇ ચૌહાણ, બાંધકામ ચેરમેન ગજેન્દ્રસિંહ પરમારે આક્ષેપ કરતા જણાવ્યુ કે, વઢવાણ પાલિકાના ચીફ ઓફિસરે સત્તાનો દુરૂપયોગ કરીને ભૂગર્ભ ગટરના કામમાં કોઇપણ જાતના ટેન્ડર કે જાહેરાત વગર વાર્ષિક ભાવ માર્ચ 2016માં પૂર્ણ થઇ ગયા હોવા છતાં એક જ વ્યકિતને મોટી રકમનો કોન્ટ્રાકટ આપી દીધો છે.

કોન્ટ્રાકટરે આડેધડ ખોદકામ કરતા ગટરના પાણી પીવાના પાણી સાથે મિશ્રીત થતા વોર્ડ નં. 8ના 10 હજારથી વધુ લોકો પરેશાની ભોગવી રહ્યા છે. હાલ આ વિસ્તારમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આથી જેસીબી જેવા સાધનો વડે થતુ આ કામ બંધ કરાવી માનવશ્રમ થકી કરાવાય તો પાઇપલાઇનને નુકશાન ન પહોંચે તેવી માંગ કરાઇ હતી. જો આ કામ તાકિદે બંધ નહી થાય તો નાછૂટકે ઉપવાસ આંદોલનની ચીમકી રજૂઆતના અંતે ઉચ્ચારાતા દોડધામ મચી છે.

ચીફ ઓફિસર અને કોન્ટ્રાકટરની મિલીભગતથી લોકોના આરોગ્યને નુકશાન
વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કોન્ટ્રાકટરની મીલી ભગતથી લોકોના આરોગ્યને નુકશાન થતુ હોવાનો આક્ષેપ પાણી પુરવઠા ચેરમેને કર્યો હતો. આ પાણીની લાઇન લીકેજ અંગે કોન્ટ્રાકટરે ઉધ્ધતાઇભર્યુ વર્તન કરીને પાણીની લાઇન તો તૂટશે જ તેવો જવાબ અપાયો હતો. ત્યારે ચીફ ઓફિસર અને કોન્ટ્રાકટરોને મીલી ભગત અટકાવી લોકોના આરોગ્યને થતુ નુકશાન અટકાવવા માંગ કરાઇ હતી.

મોટર રિપેરીંગના બિલ પણ ત્રણ માસથી અટવાયા
વઢવાણ નગરપાલિકા દ્વારા આંબાવાડીમાં 120 હોર્સ પાવર, ધોળીપોળમાં 60 હોર્સપાવર અને ભકિતનગર સર્કલે 40 હોર્સપાવરની મોટર વડે પાણી વિતરણ કરાય છે. ત્યારે આ પાણીની મોટરો છેલ્લા 2 વર્ષ દરમિયાન થયેલ રિપેરીંગના બિલ 3 માસથી અટવાઇ રહ્યા છે. આ બિલ પાસ ન થતા અને મોટર રિપેરીંગ ન થતા પાલિકા 65:35ના રેશીયા મુજબ પાણી આપી ન શકતી હોવાની રજૂઆત કરાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...