રણકાંઠાની ચાર ગ્રા.પં.ની ચૂંટણીમાં ૭૮.૩૩ ટકા મતદાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વડગામ,માલવણ,એછવાડા,પોરડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૩૩ ઉમેદવારોનાં ભાવિ સીલ

ઝાલાવાડની ૧૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ ૬ પંચાયતો સમરસ થઇ હતી. ત્યારબાદ રવિવારે વડગામ,માલવણ, એછવાડા, પોરડા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ૭૮.૩૩ ટકા મતદાન નોંધાયું હતું.આ ચૂંટણીમાં ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા છે.

ઝાલાવાડ પંથકમાં ૧૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં ૬ ગ્રામ પંચાયતો સમરસ બની છે. જ્યારે પાટડી તાલુકાના વડગામ, માલવણ, પોરડા અને એછવાડા ગ્રામ પંચાયતની રવિવારે ચૂંટણી યોજાઇ હતી. આ ચાર ગ્રામ પંચાયતોમાં સરપંચના પદ માટે ૧૦ ઉમેદવારો અને ૧૫ વોર્ડના સભ્યો મળી કુલ ૩૩ ઉમેદવારો માટે ૭૮.૩૩ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં આ ચારેય ગ્રામ પંચાયતોમાં પ્રથમ એક કલાકમાં સરેરાશ ૧૪ ટકા મતદાન નોંધાયુ છે.

જ્યારે સવારના ૮ થી બપોરના ૩ સુધીમાં ૬૭ થી ૬૮ ટકા મતદાન નોંધાયુ હતુ. આજે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં વડગામમાં ૧૬૮૧ મતદારો, માલવણમાં ૭૭૫ મતદારો, એછવાડામાં ૭૮૪ મતદારો અને પોરડાની ચૂંટણીમાં ૯૧૯ મતદારોએ મતદાન કરતા કુલ ૭૮.૩૩ ટકા મતદાન નોંધાયું હતું.

પાટડી તાલુકાની ચાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ બનવાના વાવડ મળ્યા નથી. રવિવારે યોજાયેલી ચૂંટણીનું પરિણામ તા. પના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે મતદાન એકંદરે શાંતિપૂર્વક રહ્યાનું ચૂંટણી અધિકારી કાનભાએ જણાવ્યું હતું.