• Gujarati News
  • 7487 Crore Revenue To Reach Farmers Wadhwan District Malamala

વઢવાણ જિલ્લાના ખેડૂતોની આવક ૭૪૮૭ કરોડે પહોંચતા માલામાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નર્મદાના નીરથી વાવેતર અને ઉત્પાદનમાં ધરખમ વધારો

ઝાલાવાડની સૂકી અને બંજર ધરતી પર નર્મદાના નીર પહોંચી ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના બે લાખ ખેડૂતોએ ૭ લાખ હેકટર જમીન પર વિવિધ પાકોનું વાવેતર કરીને લાખો મેટ્રીક ટન ઉત્પાદન કર્યું છે. આથી મેરી ઝાલાવાડકી ધરતી પર ઉગલે ઉગલે હીરા મોતીની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની આવક રૂપિયા ૭૪૮૭ કરોડ થતા તેઓ માલામાલ બની ગયા છે.

ઝાલાવાડની સૂકી અને બંજર ધરતીને લીધે હજારો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની ગયા હતા. ખેડૂતો પરસેવો પાડીને વાવેતર કરતા હતા. પરંતુ વરસાદની અનિયમિતતાને લીધે પાક બળી જતા ખેડૂતો ઉપર દેવાના ડુંગર ખડકાતા હતા. ત્યારે ઝાલાવાડની સૂકી ધરાને તૃપ્ત કરવા નર્મદાના નીર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાત તાલુકાની ૩.૫૧ લાખ હેકટર જમીનને સિંચાઇ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આથી સુરેન્દ્રનગર જિલ્લાના બે લાખ ખેડૂતોએ કોઠાસૂઝથી પરસેવો પાડીને ૭ લાખ હેકટર જમીન પર કપાસ, જીરૂ, ઘઉં, બાજરી અને દીવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું હતુ. આ પાકોને નર્મદાના નીર મળતા ઉત્પાદનમાં રપ ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ ટપક સિંચાઇ પધ્ધતિ, ફૂવારા પધ્ધતિ, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પેક હાઉસ વગેરે પધ્ધતિઓનો ઉપયોગ કરતા લાખો મેટ્રીક ટન ઉત્પાદન વધ્યુ છે.

આથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદાજીત આવક વર્ષ ૨૦૧૧-૧૨માં રૂપિયા ૭૩૩૭ કરોડ હતી. જે વધીને વર્ષ ૨૦૧૨-૧૩માં ૭૪૮૭ કરોડ થઇ છે. જ્યારે ૨૦૧૩-૧૪ વર્ષમાં અંદાજે રૂપિયા ૮૮૦૦ કરોડ થશે. આમ, રૂપિયા ૫૨૦ કરોડની વધુ આવક થતા ખેડૂતો માલામાલ બન્યા છે.

સુરેન્દ્રનગર ખેતીવાડી ક્ષેત્ર અધિકારી યોગેન્દ્રસિંહ બારડ, ગ્રામ સેવક વી.એસ.અસવારે જણાવ્યુ કે, ઝાલાવાડમાં રવિ, ખરીફ, મૌસમ સિઝનમાં ખેતીક્ષેત્રે ક્રાંતિ સર્જાઇ છે. જિલ્લાના ખેડૂતો વધારે આવક મેળવી શકે તે માટે કૃષિ મહોત્સવ અંતર્ગત વિવિધ શિબિરો, સ્ટોરેજ, ડીપ ઇરીગેશન, કૃષિ ટેક્નોલોજી અંગે ૧,૨૫,૦૦૦થી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ છે.