સુરેન્દ્રનગરમાં વેરો નહીં ભરનાર ૪૫ માલિકોની દુકાન સીલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગાંધીગીરી કામ ન આવતાં પાલિકાએ સીલનું શસ્ત્ર ઉગામ્યું

સુરેન્દ્રનગર નગરપાલિકાએ બાકીદારો પાસેથી વેરો વસૂલવા માટે કરેલી ગાંધીગીરીની અસર ન થતાં નગરપાલિકાએ શુક્રવારે બાકીદારોની મિલકત સીલ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં એક જ દિવસમાં અંદાજે રૂ. ૯૦ લાખની કિંમતની ૪૫ દુકાનો સીલ કરતા ટેક્સ ભરવામાં દિલદગડી કરનાર મિલકત ધારકોમાં દોડધામ મચી હતી.

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા અંદાજે રૂ. ૧ કરોડનો બાકી વેરો વસૂલ કરવા માટે નોટિસો આપી બાકીદારોની દુકાન પર જઇ ગુલાબનું ફૂલ આપી ગાંધીગીરી કરી હતી. પરંતુ પાલિકાની ગાંધીગીરી કામ આવી ન હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે ચીફ ઓફિસર કેતન વાનાણી તથા ટેક્સ ઇન્સપેક્ટર મુકેશભાઈ ડગલીની સૂચનાથી ટેક્સ વિભાગની રિકવરી ટીમના છત્રપાલસિંહ ઝાલા, ભરતભાઈ દવે, નરેશભાઈ શાહ, હરિચંદ્રસિંહ, લખુભા તથા અરૂણભાઈ સહિતની ટીમે સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટ, વિટ્ઠલપ્રેસ રોડ તથા રતનપર અંડરબ્રીજ પાસેના વિસ્તારમાં દુકાનોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં શહેરી વિસ્તારમાં દુકાન ધરાવતા મિલકત ધારકો પાસે અંદાજે રૂ. ૧૨ લાખની રકમ વસૂલ કરવાની બાકી હોય ત્રણેય વિસ્તારમાંથી ૪૫ દુકાનોને સીલ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા જે દુકાનો સીલ કરવામાં આવી છે. તેની કિંમત અંદાજે રૂ. ૯૦ લાખ થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બાબતે ચીફ ઓફિસર કેતન વાનાણીએ જણાવ્યું કે, આવા અંદાજે રૂ. ૫૦ લાખના બાકીદારોની તથા તેમની મિલકતની યાદી તૈયાર કરવામાં આવી છે. ટેક્સ નહીં ભરે તો તમામની મિલકત સીલ કરવામાં આવશે.