• Gujarati News
  • 12th Std Student Admission In Surendranagar District Latest News

ધો. ૧માં પ્રવેશ લેનારાં બાળકોની સંખ્યા ઘટશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ધો. ૧માં પ્રવેશ લેનારાં બાળકોની સંખ્યા ઘટશે
- નિયમ - ૧ જૂનના રોજ જે બાળકના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેને જ પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૩૦૦થી વધારે સરકારી પ્રાથમિક શાળાઓ ઉપરાંત ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ સત્રથી તમામ પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનારા બાળકોની સંખ્યા ઘટવાની શકયતા છે. કારણ કે, સરકારે તા. ૧ જૂનના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકોને જ ધો. ૧માં પ્રવેશ આપનો પરીપત્ર બહાર પાડયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ અને ૩૦૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ ધમધમી રહી છે. આ તમામ શાળાઓમાં મળી દર વર્ષે ૩પ હજારથી વધુ બાળકો પહેલા ધોરણના વર્ગમાં પગથીયે પગ મૂકે છે.

શહેરી વિસ્તારોમાં તો ખાનગી અંગ્રેજી માધ્યમિકની પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણમાં બાળકોને પ્રવેશ અપાવવો એટલે માતા-પિતાને કઠીન પરીક્ષા આપવા સમાન બાબત ગણાય છે. ત્યારે જિલ્લાની સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં તા. ૩૧ ઓગસ્ટ સુધીમાં જેને પાંચ વર્ષ પૂરા થતા હોય તેવા બાળકોને ધો. ૧માં પ્રવેશ આપવામાં આવતો હતો. આ ઉપરાંત કોઇ ખાસ કિસ્સામાં પ્રાથમિક શિક્ષણાધિકારીની મંજૂરીથી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પણ જન્મેલ બાળકોને ધો. ૧માં પ્રવેશ અપાવી શૈક્ષણીક કાર્ય શરૂ કરી દેવાતુ હતુ. પરંતુ પાંચ વર્ષ સુધી તો બાળકોની રમવાની, ખેલવાની, કૂદવાની ઉંમર હોય છે તેવા હેતુને ધ્યાને સરકારે તા. ૧પ મેના રોજ એક પરીપત્ર બહાર પાડયો છે.

જેમાં જણાવાયા મુજબ તા. ૧ જૂન ૨૦૧૪ના રોજ જે બાળકને પાંચ વર્ષ પૂરા થતા હોય તેવા જ બાળકોને ધો. ૧માં પ્રવેશ આપી શકાશે. દર વર્ષે ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં જન્મેલ બાળકોને ધો. ૧માં પ્રવેશ આપવાથી જૂનથી સપ્ટેમ્બર માસ એમ ચાર માસમાં જન્મેલ બાળકોને પણ ભણવાનો લાભ મળી જતો હતો. પરંતુ સરકારના આ નવા પરીપત્રથી ૧ જૂન બાદ જન્મેલ બાળકોને આવતા વર્ષની રાહ જોવી પડશે.

આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના રથવીભાઇ અને વિક્રમભાઇએ જણાવ્યુ કે, પાંચ વર્ષ સુધી બાળકોની રમવાની ઉંમર હોય છે તેને ધ્યાને લઇ સરકારે પાંચ વર્ષ પછી જ અભ્યાસ ચાલુ થાય તેવો પરીપત્ર બહાર પાડયો છે. દર વર્ષે ઝાલાવાડની શાળાઓમાં અંદાજે ૩પ હજારથી વધુ બાળકો ધો. ૧માં પ્રવેશ મેળવે છે. પરંતુ નવા પરીપત્રથી ધો. ૧માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨ થી ૩ હજારનો ઘટાડો થવાની શકયતા છે.