મયૂરનગરમાં અગ્નિસ્નાન કરી યુવાને જિંદગી ટૂંકાવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પુત્રના આપઘાતના આઘાતમાં જનેતા બેભાન, હોસ્પિટલમાં ખસેડાયા

રાજમોતી મિલ નજીક આવેલા મયૂરનગરમાં રહેતા કોળી યુવાને બીમારીથી કંટાળી અગ્નિ સ્નાન કરી જીવનનો અંત આણી લેતા અરેરાટી મચી ગઇ હતી. પુત્રના આપઘાતના આઘાતમાં તેની માતા બેભાન થઇ જતા તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મયૂરનગરમાં રહેતા કોળી યુવાન સવજી દેવશીભાઇ સતરોટિયા (ઉ.વ.૨૫)એ પોતાના ઘરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા કોળી યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. યુવાન પુત્રએ અગન ખેલ ખેલતા સવજીની માતા હેમુબેન (ઉ.વ.૫૦) એ દ્રશ્ય જોઇને ડઘાઇ ગયા હતા. અને આઘાતમાં તે પણ બેભાન થઇ જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતા બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણ ભાઇમાં મોટો સવજી છૂટક મજૂરી કરતો હતો. અને કેટલાક સમયથી માનસિક બીમારીમાં સપડાયો હતો. બીમારીથી કંટાળી યુવાને પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. રાજકોટમાં આત્મહત્યાના બનાવ સતત વધે છે તે તો ચિંતાજનક છે જ પરંતુ નોંધપાત્ર એ છે કે યુવાનવયના લોકો જ આ પગલું ભરે છે.

- પ્રૌઢનું બેભાન હાલતમાં મોત

ગુંદાવાડી હોસ્પિટલના બીજા દરવાજા પાસે પ્રૌઢ બેભાન હાલતમાં પડ્યા હોવાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી. અને તપાસ કરતા પ્રૌઢનું મૃત્યુ થયાનું ખુલ્યું હતું. મૃતક ત્રિભોવનભાઇ ચુનીભાઇ આડેસરા (ઉ.વ.૬૨) હોવાનું અને બીમારીથી તેમનું મૃત્યુ થયાનું ખુલ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.