રેસકોર્સ અમદાવાદના કાંકરિયા તળાવ જેવું રમણીય બનશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકોટના હૃદયસમા રેસકોર્સની કાયાપલટની યોજના શરૂ

રાજકોટની શાન, હરવા ફરવા માટેનું મુખ્ય સ્થળ એવા રેસકોર્સ સંકુલની કાયાપલટ કરવા માટે મનપાએ તેના આગામી નાણાકીય વર્ષના બજેટમાં ખાસ જોગવાઇ કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ આ મેગા પ્રોજેક્ટ હાથ પર લઇ લેવામાં આવ્યો છે. રેસકોર્સમાં કોઇ તળાવ નથી, આમ છતાં અમદાવાદના કાકરિયા જેવુ રિળયામણું બનાવવામાં આવશે. તેમાં થીમ ફેઇઝ ફુવારા, વોક-વે, સ્કાય-વે જેવા નવા આકર્ષણ બનાવવામાં આવશે.

વિદેશના કેટલાક મોડ્યુલ પણ કન્સલ્ટન્ટે તેના વિકલ્પમાં સૂચવ્યા હોય એ મોડ્યુલ મુજબ ફેરફાર કરવાની દિશામાં પણ મિટિંગમાં ચર્ચા થઇ હતી. રેસકોર્સ સંકુલને મુળભૂત સ્વરૂપમાં જ જાળવી રાખી અત્યંત રિળયામણું બનાવવામાં આવશે. અલગ અલગ ચાર વિકલ્પો કન્સલ્ટન્ટે આપ્યા છે. તેમાંથી ક્યાં-ક્યાં કામો કરવા તે નક્કી કરવા આજે અધિકારીઓ અને પદાધિકારીઓની મિટિંગ બોલાવી પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

રેસકોર્સ સંકુલના નવીનીકરણ માટે આમ તો કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવી છે. રેસકોર્સની અંદર તેના મૂળ સ્વરૂપને જાળવી રાખીને વધુ સુંદર બનાવવા માટે કન્સલ્ટન્ટને ચારથી પાંચ વિકલ્પો આપ્યા છે. અધિકારીઓ વર્ગના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રેસકોર્સ ડેવલોપમેન્ટ માટે રૂ. ૨૦ કરોડ જેવી માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે.

આ રકમમાંથી રિંગરોડ ફરતે વધારાની બેઠક વ્યવસ્થા, પાળી રિપેરીંગ, બ્યુટિફિકેશન, લાઇટિંગ, રેસકોર્સ સંકુલની અંદર મુળ સ્વરૂપને જાળવી રાખીને બ્યુટિફિકેશન કરવું, બાળકો માટે મનોરંજનના વધારાના સાધનો, ફૂડ ઝોન માટે અલગથી જગ્યા, ફુવારા સહિતના કામો કરવાનું સૂચવવામાં આવ્યું છે.

આ મેગા પ્રોજેક્ટ સાકાર કરવાની દિશામાં આજે પ્રથમ ડગલું મનપાએ માંડ્યું હતું. મ્યુનિ. કમિશનર અજયકુમાર ભાદુની અધ્યક્ષતામાં અધિકારીઓ અને શાસકોની મિટિંગ મળી હતી. કન્સલ્ટન્ટે આપેલા જુદા-જુદા ચારેય વિકલ્પોની આ મિટિંગમાં ચર્ચા કરીને ક્યાં-ક્યાં કામ કરવા તેની પસંદગીની પ્રક્રિયા ચાલી હતી.