‘લર્નિંગ’ લાઇસન્સની પધ્ધતિ ‘શીખવે’ કોણ ?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઓનલાઇન સિસ્ટમ દાખલ કરી પરંતુ આરટીઓ જાણકારી આપતી નથી, એજન્ટોને બખ્ખા અમદાવાદ બાદ રાજકોટ,સુરત અને બરોડા આરટીઓમાં ૧,જૂનથી લર્નિંગ લાઇસન્સ મેળવવા માગતા અરજદારોએ અરજી માટે ફરજિયાત ઓનલાઇન અપોઇન્ટમેન્ટની પ્રથા અમલી બનાવાઇ છે. આ ફતવાના કારણે અરજદારોની હાલત અત્યંત કફોડી બની ગઇ છે. અત્યાર સુધી અરજદારોએ લાઇસન્સના ફોર્મ ભરવા માટે પણ એજન્ટનો આશરો લેવો પડતો હતો. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે સમજ આપવાની તંત્ર દ્વારા કોઇ સુવિધા વિના જ નવા નિયમનું અમલીકરણ કરી દેવાતા ચોક્કસ એજન્ટોએ ઓનલાઇન એપ્લીકેસન સબમિટ કરાવી દેવાનો અલગ ચાર્જ વસૂલવા લાગ્યા છે. - ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટેના નિયમો નવા લર્નર (શિખાઉ) મોટર ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા અરજી કરવાની હોય તેવા અરજદારોએ હવેથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવ્યા પછી અરજી કરવી પડશે. જેમાં અલગ અલગ પ્રકારના ત્રણ ફોર્મની પ્રિન્ટ કઢાવીને દસ્તાવેજ સાથે જોડવી પડે છે. અરજદારને તારીખ અને સમય ફાળવવામાં આવે તે તારીખે ફાળવાયેલા સમયના ૧પ મિનિટ પહેલા જરૂરી દસ્તાવેજો તેમજ શારિરીક ચકાસણી માટે હાજર થઇ જવું પડશે. માહિતી મળે તેવી સુવિધા નથી,એજન્ટો રૂ.૧૦૦ પડાવે છે અરજદારોને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ વિશે મુદ્દાસર સમજ આપી શકાય તેવી કોઇ સુવિધા તંત્ર તરફથી કરવામાં આવી નથી. આથી લાઇસન્સ મેળવવા ઇચ્છુકે નાછુટકે એજન્ટને ઓનલાઇન એપોઇન્ટ માટેનું ફોર્મ સબમિટ કરાવવા વધારાના રૂ.૧૦૦ ચૂકવવા પડે છે. અને ફાળવાયેલી તારીખે બીજી વખત ધકકો ખાવો પડે છે. - અલગ માહિતીકેન્દ્રની જરૂર નથી, જનસેવા કેન્દ્રો છે જ ઓનલાઇન એપોઇન્ટમેન્ટનો નિયમ રાજ્ય સરકારે અમલી બનાવ્યો છે. સૌ પ્રથમ અમદાવાદમાં આ પ્રથા અમલી બનાવવામાં આવી હતી. ૧,જૂનથી રાજકોટ,સુરત અને બરોડામાં પણ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ ફરજિયાત બનાવાયું છે. રાજકોટમાં હાલમાં માત્ર શહેર અને તાલુકાના અરજદારો માટે જ નવો નિયમ લાગુ કરાવાયો છે. જિલ્લાના અરજદારોની અરજી રૂબરૂ સ્વીકારીને ટોકન આપવામાં આવે છે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ અંગે માહિતી આપવાની આરટીઓમાં કોઇ અલગ સુવિધા ઉભી કરવાનો પ્રશ્ન નથી.કોઇપણ સરકારી કામગીરી અંગે માહિતી મળી શકે તે માટે દરેક શહેરમાં જન સેવા કેન્દ્ર ઉપલબ્ધ છે! - આરટીઓ ડી.આર.પટેલ રેલ-વેની જેમ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ રેલ-વે માં પણ ઓનલાઇન ટિકિટ બુકિંગની વ્યવસ્થા છે. સાથોસાથ કોઇ પણ વ્યક્તિ રેલવે સ્ટેશનથી પણ ટિકિટ ખરીદી શકે છે. તેવી જ રીતે અહીં ઓનલાઇન ઉપરાંત રૂબરૂ લાઇસન્સ મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.