આજીડેમ ખાલી થઇ જશે તો પણ પાણીકાપની કોઇ સંભાવના નથી જ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યુ-ટર્ન | એક તબક્કે પાણીકાપની ઇજનેરે વ્યક્ત કરેલી સંભાવનાનો કમિશનરે છેદ ઉડાડ્યો
- નર્મદાની લાઇન બદલ્યા બાદ આવકની ક્ષમતા વધતા કમિશનરે આપેલી ખાતરી

રાજકોટ: રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં એક તબક્કે વધીને 20 દિવસ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું હતું ત્યારે પાણીકાપની શકયતાનો સંકેત આપનાર મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ હવે પાણીકાપની કોઇ ગુંજાઇશ જ નથી એવી ખાતરી આપી છે. રાજકોટના આજી ઝોનને નર્મદાનું 110 એમએલડી જોઇએ છે, જ્યારે રૈયાધાર ઝોનને 60 થી 75 એમએલડીની જરૂર છે. હાલ આજીડેમમાં સંગ્રહાયેલું પાણી નર્મદાનું રોજ 110 એમએલડી મળતું રહે તો ફેબ્રુઆરી મહિના સુધી ચલાવી શકાય તેમ છે, પરંતુ બે દિવસ પહેલા સરકારે આજી ઝોને નર્મદાનાં નીર 80 એમએલડી જ મળશે એમ કહી 110 એમએલડી આપવાનો નનૈયો ભણી દીધો હતો.

બદલાયેલી આ સ્થિતિ વચ્ચે આજીડેમમાં જો નવાં નીર ન આવે તો વહેલો ડૂકી જશે અને દિવાળી પછી પાણીકાપ મૂકવો પડે એવી શકયતાને ખુદ મનપાના જ વોટરવર્કર્સ શાખાના ઇજનેરોએ વ્યક્ત કરી હતી. આ ભીતિ વચ્ચે મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ લોકોને હાશકારો થાય એવી હૈયાધારણા આપી છે. કમિશનર નેહરાએ એવી ખાતરી આપી છે કે, ન કરે નારાયણ અને આજીડેમ તળિયાઝાટક થઇ જાય તો પણ પાણીકાપ નહીં જ આવે.

નર્મદા નીરની આવકની પૂરી ક્ષમતા થઇ ચૂકી છે

આજી ઝોન પર આવતી લાઇનમાં આવકની ક્ષમતા વધી ગઇ છે. હાલ આજીડેમમાં પાણી છે. એટલે પહેલા આજીડેમનું પાણી વાપરીશું. ત્યારબાદ પૂરતા પ્રમાણમાં નર્મદા નીર મળી રહેશે.
> વિજય નેહરા, મ્યુનિ. કમિશનર