રાજકોટ: ફરી નર્મદાના ધાંધિયા, આજી ડેમ પર બોજો વધ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાણી વિતરણ વ્યવસ્થા માંડ પાટા પર ચડે ત્યાં ફરી નર્મદાના ધાંધિયાનો સિલસિલો યથાવત્

રાજકોટના આજી અને ન્યારી ડેમ સહિ‌ત સૌરાષ્ટ્રના ૧૧પ ડેમ નર્મદા ડેમથી ભરી દેવાની મધલાળ મુખ્યપ્રધાન મોદીએ આપેલી છે અને રાજકોટને જોઇએ એટલા પ્રમાણમાં નર્મદાનીર આપશું એવા વચનો દર ચૂંટણી વખતે અપાય છે ત્યારે લોકસભાની ચૂંટણી નજીક છે એવા સમયે પણ રાજકોટમાં નર્મદાના ધાંધિયાનો સિલસિલો ચાલુ રહ્યો છે. હજુ તો વિતરણ વ્યવસ્થાની ગાડી માંડ પાટે ચડી છે ત્યાં ફરી નર્મદાનું નીર ઓછું મળવા લાગ્યું છે. ૧૧પ એમએલડીની જરૂરિયાત સામે સોમવારે માત્ર ૮૦ એમએલડી જ મળતા સ્થાનિક ડેમ ઉપર બમણો બોજ નખાઇ રહ્યો છે.


રાજકોટને નર્મદાનું પાણી અલગ અલગ બે નેટવર્ક દ્વારા આવે છે. એક આજી ઝોન પર અને બીજી લાઇન જામનગર હાઇવે પરથી નીકળતી લાઇનમાંથી રૈયા ઝોનને મળે છે. આ બન્ને લાઇનની મુખ્ય લાઇન એવા સુરેન્દ્રનગર પાસેથી નીકળતી મેઇન કેનાલમાં લેવલ ઘટી જવાથી રાજકોટને બે દિવસથી નર્મદાનીર ઓછું મળી રહ્યું છે.હાલ ઉનાળામાં ૧૧પ એમએલડી એટલે કે, ૨પ૩ લાખ ગેલન પાણીની જરૂરિયાત સામે સોમવારે માંડ ૧૦૦ લાખ એટલે કે ૨૨૦ લાખ ગેલન અને મંગળવારે તેનાથી પણ વધુ ઘટીને ૧૭૬ લાખ ગેલન મળ્યું હતું. ૭૦ લાખ ગેલન જેટલો આ ખાંચો પૂરવા માટે મનપા સ્થાનિક ડેમ ઉપર વધારાનું ભારણ નાખી રહ્યું છે. જો આ જ સ્થિતિ રહેશે તો ચોમાસું શરૂ થાય એ પહેલા જ ડેમ ડૂકી જાય એવી ભીતિ અત્યારથી જ દેખાઇ રહી છે.

દુકાળમાં અધિક માસ કાલાવડ રોડ પર પાણીની લાઇન તૂટી
શહેરના વોર્ડ નં.૧૩માં આવેલા કાલાવડ રોડ પર રામધામ સોસાયટી શેરી નં.૩ માંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં અચાનક જ ભંગાણ થતાં લાઇન બંધ કરવી પડી હતી. લાઇન રિપેરિંગ કરવામાં ખાસો એવો સમય વીતી જતાં સોસાયટીમાં અમુક શેરીમાં પાણી મળ્યું ન હતું તો અમુક વિસ્તારમાં અપૂરતુ પાણી મળતા દેકારો બોલી ગયો હતો.

આજીડેમમાં માંડ પ૦ ટકા જળજથ્થો રહ્યો
સામાન્ય સંજોગોમાં આજી ડેમમાંથી દૈનિક ૧૧પ લાખ ગેલન પાણી ઉપાડવામાં આવે છે. આજી ઝોનને મળતું નર્મદાનું પાણી બંધ થતાં બે દિવસથી વધારાનો ઉપાડ કરવામાં આવે છે. હાલ આજીડેમમાં અડધો જળજથ્થો છે. હજુ આખો ઉનાળો બાકી છે ત્યાં રાબેતા મુજબ કોઇને કોઇ કારણસર નર્મદાના ધાંધિયાથી આજી ઉપર બમણું ભારણ આવી રહ્યું છે. જો નર્મદાની સ્થિતિ આવી જ રહેશે તો ઉનાળાના પાછલા દિવસોમાં ડેમ વહેલો ડૂકી જાય તો નવાઇ નહીં રહે.

વેરો વસૂલવા ત્રણ આસામીના નળજોડાણ કપાયા
એકબાજુ મહાપાલિકાએ મવડી વિસ્તારમાં આવેલા ઉદયનગર શેરી નં.૧માં વીરમબાપા નામના આસામી પાસેથી રૂ.૬પ હજાર, શૈલેષ પુરુષોત્તમભાઇ પાસેથી રૂ.૬૩ હજાર અને ક્રિષ્નાપાર્કમાં રહેતા પંકજભાઇ પાસેથી રૂ.૨૭ હજાર વસૂલવા તેમની મિલકતના નળજોડાણ કાપી નખાયા હતા.