રાજકોટ: લાખથી વધુના વ્યવહાર પર તંત્રની નજર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણીમાં નાણાંના ગેરઉપયોગને રોકવા ચૂંટણીપંચના માર્ગદર્શન મુજબ રાજકોટ કલેક્ટરે બેન્કોને આપેલી સૂચના

આગામી લોકસભાની ચૂંટણીમાં કાળાં નાણાંનો ઉપયોગ અટકાવવા માટે ચૂંટણીપંચે કરેલા માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લા કલેક્ટરે બેન્ક મેનેજરો સાથે બેઠક યોજી ૧ લાખ કે તેથી વધુના રોકડ વ્યવહારની વિગતો આપવા આદેશ કર્યો હતો. તેમજ ચૂંટણીખર્ચ સંદર્ભે કોઇ ખાતું ખૂલે તો તેની જાણ કરવા પણ તાકીદ કરી હતી.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમારે મંગળવારે રાજકોટ શહેર-જિલ્લાની બેન્કોના મેનેજરો સાથે બેઠક યોજી હતી અને તેમાં બેન્ક મેનેજરોને તાકીદ કરવામાં આવી હતી કે, બેન્ક ખાતામાં ૧ લાખ કે તેથી વધુની રોકડ રકમની જો હેરફેર થતી હોય તો એવા તમામ બેન્ક ખાતાંની વિગતો દરરોજ દરેક બેન્કે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલવાની રહેશે. તેમજ કોઇપણ ઉમેદવાર બેન્કમાં ચૂંટણીખર્ચ સંદર્ભનું ખાતું ખોલાવે તો તે ખાતાની દરરોજ આવક જાવકની વિગતો ચૂંટણીના કન્ટ્રોલરૂમને પહોંચાડવાની રહેશે.

ઉમેદવારીપત્ર ભરતી વખતે ચારથી વધુ સમર્થકો લઇ જવા પર પ્રતિબંધ

ડો.રાજેન્દ્ર કુમારે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે, ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્રો રજૂ કરવાના સમયે રાજકીય પક્ષોએ ચારથી વધુ સમર્થકો ન લઇ જવા તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં ૩થી વધુ વાહનો ન લઇ જવા.

ડુપ્લિકેટ નામ અને ઓળખકાર્ડના છબરડા અંગે પોલીસ તપાસની કોંગ્રેસની માગ
કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ, શહેર કોંગ્રેસ પ્રખુખ હેમાંગ વસાવડા અને મોહન સોજીત્રા સહિ‌તના આગેવાનોએ કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી હતી કે, બોગસ મતદાન કરવાના ઇરાદે ચોક્કસ પક્ષના લોકો દ્વારા મોટી સંખ્યામાં મતદારયાદીમાં ડુપ્લિકેટ નામ ચડાવવામાં આવ્યા છે. તેમજ ચૂંટણી ઓળખકાર્ડમાં પણ છબરડા કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસ તપાસ કરાવવાની માગ કરી હતી.

મતદાર નોંધણી માટે બીજા માળે વ્યવસ્થા કરાતા અપંગો-વૃધ્ધોની કફોડી હાલત
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રે મતદારયાદીમાં નામ નોંધણી કાર્યક્રમ આગામી તા.૩૦ સુધી ચાલુ રાખ્યો છે. તેમાં રાજકોટ વિધાનસભા ૬૮ અને ૭૦ વિસ્તારની મતદારયાદીમાં નવા નામ ઉમેરવા અંગે કલેક્ટર કચેરીના બીજા માળે પુરવઠા અને જિલ્લા મનોરંજન કચેરી ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. આ બંને ઓફિસ બીજા માળે હોય અપંગો અને વૃધ્ધોને ત્યાં સુધી પહોંચવા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મંગળવારે આવા અનેક લોકો કચેરીમાં નજરે પડયા હતા અને તેમની કથની સાંભળી લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઊઠયો હતો.

મતદાન મથક પરથી એડિશનલ સ્લીપ અપાશે
ચૂંટણીમાં જિલ્લામાં ૧૦૦ ટકા મતદાન થાય તેવું ઇચ્છનીય છે અને તે માટે દરેકને મતદાર સ્લીપ પણ પહોંચાડાશે પરંતુ કોઇ મતદારને સ્લીપ નહીં મળી હોય તેવી વ્યકિત મતદાનના દિવસે મતદાન કેન્દ્ર પરથી એડિશનલ સ્લીપ મેળવી મતદાન કરી શકશે.