રાજકોટ: તમંચો, ચાર કારતૂસ સાથે જમાઇ, સસરો પકડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગવલીવાડના શખ્સ પાસેથી ખરીદ્યા હતા
- તમંચો આપી જનાર ગવલીવાડના રિક્ષાચાલકની ધરપકડ : ત્રણેયના રિમાન્ડ માગવામાં આવશે


ગેરકાયદે શસ્ત્રો રાખતા હોય એવા અસામાજિક તત્ત્વોની સંખ્યા વધી ગઇ છે. પોલીસે ગંજીવાડા વિસ્તારમાંથી બે શખ્સને તમંચો અને ચાર કારતૂસ સાથે ઝડપી લીધા હતા. ગેરકાયદે શસ્ત્ર ગવલીવાડ વિસ્તારમાં રહેતા શખ્સ પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપતાં પોલીસે તેને પણ ઝડપી લીધો હતો. હથિયારની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા ત્રણેયના રિમાન્ડ માગવામાં આવશે.જંગલેશ્વરમાં આરએમસીના કવાર્ટરમાં રહેતો રિક્ષાચાલક જાવિદ કરીમભાઇ ઉઠમણા અને તેના સસરા ધીરૂ ભૂરાભાઇ ચૌહાણ (રહે,ગંજીવાડા) ગેરકાયદે શસ્ત્ર લઇને ફરતા હોવાની પોલીસને બાતમી મળી હતી. એસઓજીના પીઆઇ ડી.વી.બસિયા, ફોજદાર એમ.એન.રાણા, વી.આર.ચૌહાણે ગંજીવાડામાં મંદિર નજીકથી ઉપરોકત બંનેને અટકાયતમાં લીધા હતા.

અંગજડતી લેતાં જાવિદના નેફામાંથી દેશી તમંચો તેમજ બે જીવતા કારતૂસ અને તેના સસરા ધીરૂના ખિસ્સામાંથી બે કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે બન્નેની ધરપકડ કરીને આકરી પૂછતાછ કરતા એવી કબૂલાત આપી હતી કે દસ મહિ‌ના પહેલા ગંજીવાડાની કુખ્યાત મહિ‌લા બુટલેગર હંસા સહિ‌તના શખ્સોએ ધીરૂના પુત્ર જીતેશની હત્યા કરી હતી. ત્યાર બાદ સમાધાન મુદ્ે આરોપી તરફથી ધમકી મળતી હોવાથી સ્વબચાવ માટે ગવલીવાડમાં રહેતા ઇસુબ ઇસાકભાઇ દલવાણી પાસેથી તમંચો અને કારતૂસ ખરીદ કર્યા હતા. પોલીસે ઇસુબની પણ ધરપકડ કરી હતી. તે તમંચો કોની પાસેથી લાવ્યો હતો ?તે અંગે પૂછતાછ ચાલુ છે.