જિમખાના પાસે કારના કાચ તોડી ૧પ લાખની લૂંટ કરનારા બે પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઝડપાયેલા બન્ને લુટારા)
- ભરબપોરે લૂંટ ચલાવી ભાગી છૂટેલા બે શખ્સ અમદાવાદમાં દબોચાયા

રાજકોટ: રાજકોટમાં કારના કાચ તોડી પંદર લાખની ચોરી કરનારી ગેંગના બે સભ્યોને ક્રાઈમ બ્રાંચે ઝડપ્યા હતા. સારંગપુર ઘંટાકર્ણ માર્કેટના ગેટ પાસેથી ક્રાઈમ બ્રાંચે ડિસ્કવર બાઈક પર જતા બે શખસોને ચોરીના છ લાખ સાથે પકડયા હતા. ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેકટર જે.એસ.ગેડમને મળેલી બાતમીના આધારે તેમની ટીમે ઘંટાકર્ણ માર્કેટ પાસેથી ડિસ્કવર બાઈક પર જતા મુન્ના ઉર્ફે સિસોદિયા જેસિંગ રાઠોડ (ઉં.૪૦, કુબેરનગર) અને મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી ઉર્ફે ખટવાણી (ઉં.૩૨, રહે,કુબેરનગર)ની ધરપકડ કરી હતી. બંનેની તપાસમાં એવી વિગતો ખૂલી હતી કે, ગઈ તા.૬ ઓગસ્ટના રોજ બંને અમદાવાદથી રાજકોટ બાઈક પર ગયા હતા.

બે બાઈક લઈને કુલ ચાર સાગરીતો ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના માલવિયા રોડ પરથી પસાર થઈ રહેલી કારનો પીછો કર્યો હતો. કારની સાઈડ લઈ તેમને રોક્યા હતા અને 'બે જણાને તમોએ ગાડીથી કચડી નાખેલ છે' તેમ કહ્યું હતું. આ રીતે વાતોમાં પરોવી અન્ય બે સાગરીતોએ કારની પાછળની સાઈડનો કાચ ડિસમિસ વડે તોડી અંદરથી ૧પ લાખની બેગ ચોરી લીધી હતી. રાજકોટના એ ડિવિઝન પોલીસમાં આ અંગેનો ગુનો નોંધાયો હતો.

ક્રાઈમ બ્રાંચના એસીપી એમ.ડી.ચૌધરીએ કહ્યું કે, આ ગેંગના સાગરીતો ગુજરાતભરમાં આ પ્રકારે ચોરી કરે છે. જ્યાં ચોરી કરે ત્યાં જ બાઈક પણ બિનવારસી મૂકી દે છે. અગાઉ મુન્નો સેટેલાઈટ, કાગડાપીઠ, એલિસબ્રિજ અને નરોડામાં પકડાઈ ચૂક્યો છે. જયારે મનીષ કાગડાપીઠ, એલિસબ્રિજ, નારણપુરા અને નવરંગપુરામાં પકડાઈ ચૂક્યો છે.