ધો.૧૨ સા.પ્રવાહમાં બે પરીક્ષાર્થીઓ સામે કોપીકેસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એક દિવસના આરામ બાદ આજે ધો.૧૦ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ફરી કસોટી
- તત્ત્વજ્ઞાનના વિષયની પરીક્ષામાં જસદણ અને મોરબીમાં બન્ને વિદ્યાર્થીઓ સાહિ‌ત્યમાંથી લખતા’તા


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારથી ધો.૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. બીજા દિવસે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને રજા હતી. જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષા દરમિયાન જસદણ અને મોરબીમાં બે વિદ્યાર્થીઓ સામે કોપીકેસ થયા હતા. શુક્રવારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં સવારે ઇતિહાસનું તેમજ બપોરે તત્ત્વજ્ઞાનના વિષયની પરીક્ષા લેવાઇ હતી. રાજકોટ જિલ્લામાં ઇતિહાસ વિષયની પરીક્ષા માટે ૧૧૯૪ વિદ્યાર્થી‍ઓ નોંધાયા હતા.

જોકે ૧૧પ૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ૪૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જયારે તત્ત્વજ્ઞાન વિષયની પરીક્ષા માટે ૩૦૮૨ વિદ્યાર્થી નોંધાયા હતા અને ૩૦૪૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ આ વિષયમાં ૩૩ વિદ્યાર્થી‍ઓએ પરીક્ષા આપી નહોતી. ગુરુવારથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં જુદા-જુદા કેન્દ્રો પર બેફામ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠતાં જ તંત્ર ચોંકયું હતુ.

જસદણમાં આવેલી ડીએસવીકે સ્કૂલમાં ફ્લાઇંગ સ્કવોડ ખાબકી હતી અને બ્લોક નં.પમાં રહેલો વિદ્યાર્થી સાહિ‌ત્યમાંથી કોપી કરી રહ્યો હતો ત્યારે તેને ઝડપી લઇ સાહિ‌ત્ય કબજે કરી તેની સામે કોપીકેસ કર્યો હતો. જયારે બીજો કેસ મોરબીની જ્ઞાનપથ હાઇસ્કૂલમાં નોંધાયો હતો. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી નાગાણીએ ચેકિંગ કરી ચોરી કરી રહેલા વિદ્યાર્થીને ઝડપી લઇ તેની સામે કોપીકેસ કર્યો હતો. શુક્રવારે ધો.૧૦ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને પરીક્ષા નહોતી. શનિવારે ધો.૧૦માં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયની પરીક્ષા લેવાશે. તેમજ ધોરણ ૧૨ સાયન્સમાં કેમિસ્ટ્રી અને સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવાશે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો ઉધડો લેવાયો

બોર્ડની પરીક્ષા શરૂ થયાના આગલા દિવસે પત્રકાર પરિષદ યોજી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી રાજશાખાએ સબસલામત હોવાનો અને તંત્ર દ્વારા જોરદાર વ્યવસ્થા કરવામાં આવી હોવાના બણગા ફૂંકવામાં આવ્યા હતા. તેમજ ચોરીના દૂષણને ડામવા માટે અનેક સ્કૂલમાં ટેબ્લેટ ગોઠવવામાં આવ્યાનું પણ કહેવામાં આવ્યું હતું પરંતુ ગુરુવારે પ્રથમ દિવસે પરીક્ષા પૂરી થયા બાદ એવાત પ્રકાશમાં આવી હતી કે, ૩પ ટેબ્લેટ બંધ પડતાં તે રૂમનું શૂટિંગ થયું નહોતું. આ બાબત જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા શિક્ષણાધિકારી રાજશાખાને બોલાવી તેનો ઉધડો લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગોંડલ,મોરબી,ધોરાજીમાં બેફામ ચોરી

બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ ગોંડલ, ધોરાજી અને મોરબી સહિ‌તના અનેક પરીક્ષા કેન્દ્રોમાં બેફામ ચોરી થયાના આક્ષેપો થયા હતા અનેક લોકોએ રાજકોટમાં આવેલા પરીક્ષા કન્ટ્રોલરૂમે ફોન કરી રાવ કરી હતી અને કેટલાક સ્થળે તો સ્કવોડના સભ્યો હાજર હોવા છતાં ચોરી થતી હતી.

વિદ્યાર્થીઓની હાલત કફોડી

શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી અણધડ વ્યવસ્થાએ વિદ્યાર્થીઓની હાલત કફોડી બનાવી દીધી છે. મહત્તમ વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષા પૂર્ણ થશે ત્યાં સુધીમાં અનેક સ્કૂલના આંટાફેરા કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિદ્યાર્થીઓને જુદા-જુદા વિષયની પરીક્ષા માટે જુદી-જુદી શાળાઓએ જવું પડી રહ્યું છે. જેના કારણે ત્યાં પહોંચીને પરીક્ષા નંબરથી માંડી અનેક સમસ્યાઓ તેમને સતાવી રહી છે. જો કે જે તે વિષયમાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને કારણે આવી વ્યવસ્થા કરવી પડી હોવાનો તંત્ર બચાવ કરી રહ્યું છે.