ટ્રિપલ મર્ડર : બે મહિના વીતવા છતાં આરોપી પ્રોફેસર હજુ લાપતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આરોપી પ્રોફેસર આશીષ)
- પત્ની અને સંતાનોને મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસરે હત્યા બાદ તર્પણવિધિ કરી’તી

રાજકોટ: કરમસદમાં સ્થાયી થયેલા રાજકોટના પ્રોફેસરે બે મહિના પૂર્વે પત્ની અને બે સંતાનોને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યાના બબ્બે મહિના બાદ પણ આરોપી પ્રોફેસર પોલીસને હાથ આવ્યો નથી. આરોપીએ પ્રેમપ્રકરણમાં ખૂની ખેલ ખેલ્યાની અને હાલમાં યુવતી સાથે કોઇ રાજ્યમાં છુપાયાની શંકા પરથી પોલીસે તે દિશામાં તપાસ આગળ ધપાવી હતી.

રાજકોટના સાધુવાસવાણી રોડ પરના સેટેલાઇટ પાર્કમાં રહેતા અને કેટલાક મહિનાથી કરમસદ સ્થાયી થયેલા પ્રોફેસર આશિષ શૈલેષ જેસડિયાએ ગત 28મી ઓગસ્ટના રોજ કરમસદમાં પોતાના ઘરે પત્ની ભાવિતા અને બે પુત્ર ખુશ (ઉ.વ.7) તથા ધ્યેય (ઉ.વ.3)ને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવ અંગે સ્થાનિક પોલીસે આશિષ જેસડિયા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ હજુ સુધી તે પોલીસ પક્ડથી દૂર રહ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પત્ની અને સંતાનોની હત્યા કર્યા બાદ તિથલ બીચ પર પહોંચ્યો હતો અને ત્યાં મૂંડન સહિતની વિધિ કરી મૃતકોની તર્પણવિધિ કરી હતી. ત્યાંથી તેના મિત્ર સમક્ષ ખોટી સ્ટોરી રજૂ કરી મિત્રની કારમાં બસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જોકે આશિષના મિત્રે તે વખતે તેની તસવીર ખેંચી લીધી હોય પોલીસે તે તસવીર જારી કરી આરોપીની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રોફેસર આશિષ જેસડિયાને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોય તે કારણે પત્નીનું કાસળ કાઢી નાખ્યાની શંકા છે, અને હાલમાં યુવતી સાથે પ્રોફેસર અન્ય રાજ્યમાં છુપાયો હોવાના પણ કેટલાક પુરાવા સાંપડ્યા છે.

પુત્રી અને ભાણેજડાઓની હત્યાથી શોકમાં ડૂબેલા ભાવિતાબેનના પિતા છગનભાઇ રવજીભાઇ વેકરિયાએ પણ ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતું કે, તેનો જમાઇ આશિષ તથા તેના બે ભાઇ અમિત અને રૂપેશ એમસીએક્સનો સટ્ટો રમવાની કુટેવ ધરાવતા હતા અને ત્રણેય ભાઇઓએ અગાઉ સટ્ટામાં લાખો રૂપિયા ગુમાવ્યા હતા અને તત્કાલીન સમયે ભાવિતાબેનના સોનાના દાગીના પણ ગીરવે મૂકી દીધા હતા. જે દાગીના છગનભાઇએ પૈસા ચૂકવીને છોડાવ્યા હતા.