સિગ્નલ કહેશે, આગળ કેટલો ટ્રાફિક છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર જાપાનની કંપની બીઓટીના ધોરણે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિગ્નલ મૂકશે, જાપાનનું પ્રતિનિધિમંડળ મનપાની મુલાકાતે

રાજકોટના બે પ્રવેશદ્વારોને ભેગા કરતા અને શહેરની વચ્ચેથી નીકળતા દોઢસો ફૂટ રિંગ રોડ પર આગળ કઇ બાજુ ટ્રાફિક ઓછો છે એ સિગ્નલ પરથી જ ખબર પડી જાય એવી એક અત્યાધુનિક સિસ્ટમ સાથેના ટ્રાફિક સિગ્નલ મૂકવા જાપાનની એક કંપનીએ તૈયારી દર્શાવી છે. જાપાનના પૂર્વ રાજદૂત અને અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ સોમવારે મહાપાલિકાની મુલાકાતે આવ્યું હતું ત્યારે મનપાને આ ઓફર કરવામાં આવી હતી.

રાજકોટની ટ્રાફિક સિસ્ટમના એક અભ્યાસ માટે જાપાન ખાતેના ભારતના રાજદૂત અને હાલ સમ એન્ડ સેન્સ એડ્વાઇઝર્સ કંપનીના વાઇસ ચેરમેન યાસુકુની ઇનોકી, ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર કેન્ઝી સુઝુકી, ઝીરો સમ લિમિટેડ કંપનીના પ્રેસિડેન્ટ ચિકારા કિકુચી અને ઝીરો સમ વાયરલેસ સોલ્યુશન ઇન્ડિયા લિમિટેડના ડાયરેક્ટર બી.મલ્લેશ સહિ‌તનું પ્રતિનિધિમંડળ મહાપાલિકાની મુલાકાતે આવ્યું હતું. પ્રતિનિધિમંડળે મ્યુનિ.કમિશનર ભાદુ સાથે શહેરના મુખ્ય ટ્રાફિકગ્રસ્ત રોડ પર જઇને અભ્યાસ કર્યો હતો અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લઇ રીતે લાવી શકાય તેવી થોડી ટિપ્સ આપી હતી.

પ્રતિનિધિમંડળે મનપા સમક્ષ એક ઓફર મૂકી હતી. દોઢસો ફૂટ રિંગ રોડ પર આગળ કઇ બાજુ ટ્રાફિક વધુ છે તે આગલા ટ્રાફિક પોઇન્ટ પરથી જ ખબર પડી જાય એવી એક અત્યાધુનિક ટેક્નોલોજી સાથેના ટ્રાફિક સિગ્નલ મૂકી આપવાની તૈયારી દર્શાવી હતી. આ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિગ્નલ આઇ.ટી.કેમેરાથી સજ્જ હશે. જેના માધ્યમથી કમ્પ્યુટર એનાલિસિસ કરી આગળના રસ્તાના હાલહવાલ ડિસ્પ્લે બોર્ડ પર આવી જશે. હાલ અમદાવાદમાં ચાર માર્ગો પર આ જાપાનની જ ઉક્ત કંપનીઓના સાહસથી આવા આધુનિક ટ્રાફિક સિગ્નલ મૂક્યા છે. રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પરનો પાઇલટ પ્રોજેક્ટ સફળ થયે ટ્રાફિકગ્રસ્ત મુખ્ય માર્ગો પર પણ મૂકી આપવાની તૈયારી દર્શાવી છે.

મનપાને એક પૈસાનો ખર્ચ નહીં, સિગ્નલ પર જાહેરાતના હક્ક કંપનીને અપાશે

આ પ્રકારના અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ મૂકવામાં મહાપાલિકાને એક પૈસાનો ખર્ચ થવાનો નથી. જાપાનની કંપની પોતાના ખર્ચે આ ટ્રાફિક સિગ્નલ મૂકી આપશે. સામે તે મનપા પાસેથી ટ્રાફિક સિગ્નલની ડિસ્પ્લે પર એક ભાગમાં જાહેરાતના હક્ક માગશે. સંપૂર્ણપણે બીઓટીના ધોરણે આ પ્રોજેક્ટ સાકાર કરવાની તૈયારી દર્શાવી છે.

સ્પીડ કન્ટ્રોલર મુકાશે, રિંગ રોડ પરથી ટ્રાવેલ્સ બસને ખદેડાશે

ગત સપ્તાહે જ દોઢસો ફૂટ રિંગ રોડ પર ફોચ્ર્યુનર કારના હિ‌ટ એન્ડ રનની ઘટના બની હતી. દરમિયાન આજે જાપાનની ડેલિગેશન સાથે બીઆરટીએસ રોડ પરની મુલાકાત વેળાએ મ્યુનિ.કમિશનરે રૈયા એક્સચેન્જ, ગાંધીગ્રામના ભાગમાં નાના સ્પીડબ્રેકર મૂકવાની વિચારણા કરી છે. આ ઉપરાંત આ રોડ પર ખાનગી ટ્રાવેલ્સથી થતાં ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને દોઢસો ફૂટ રિંગ રોડ પર ટ્રાવેલ્સ બસના દબાણને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડેલિગેશને સિટી બસ, બીઆરટીએસ બસમાં સફર કરી

જાપાનના પ્રતિનિધિમંડળે મ્યુનિ.કમિશનર ભાદુ સાથે રહીને સિટી બસમાં બેસીને વિવિધ વિસ્તારોમાં જઇને અને બીઆરટીએસ બસમાં પણ સફર કરીને માસ ટ્રાન્સપોર્ટેશનનું મૂલ્યાંકન કર્યું હતું.

ટ્રાફિક સિગ્નલ ભલે બંધ હોય, મનપા હવે નવો તુક્કો અપનાવશે

રાજકોટમાં જાપાનમાં છે તેવી ટ્રાફિક વ્યવસ્થા કરવાનું મનપાનું આયોજન છે. પરંતુ શહેરમાં અનેક સ્થળે ફીટ કરાયેલા ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે ત્યારે નવા-નવા તુક્કા અજમાવવાના બદલે બંધ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવા જોઇએ.