રાજકોટ: જ્યુબિલી રોડ પરથી પ૦ રેંકડી જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કાર્યવાહીને પગલે રોડ પરથી પાથરણાવાળાઓ ભાગી ગયા હતા)
- પાથરણાવાળાઓએ એસ્ટેટ ઓફિસરને મારમાર્યાની ઘટનાના પડઘા
- મનપાનો સ્ટાફ ગયા પછી ફરી દબાણ ન થાય એ માટે સતત ચેકિંગ ડ્રાઇવ ગોઠવાઇ

રાજકોટ: રાજકોટના જ્યુબિલી શાકમાર્કેટવાળા રોડને 'ઝીરો ટોલરન્સ’ જાહેર કરાયા બાદ પાથરણાવાળા બકાલીઓનું દબાણ દૂર કરવા ગયેલા મનપાના સ્ટાફ સાથે માથાકૂટ કરીને એસ્ટેટ ઓફિસર નરેન્દ્ર રાવલને ઢોરમાર માર્યા બાદ મનપાનો વળતો પ્રહાર ચાલુ રાખવામાં આવ્યો છે. સોમવારે પણ સવારથી સાંજ સુધી સતત ચેકિંગના રાઉન્ડ રાખીને ૬૦થી વધુ રેંકડીઓ જપ્ત કરી લેવામાં આવી હતી.

શનિવારે સવારે એક માથાભારે પાથરણાવાળાએ એસ્ટેટ ઓફિસર રાવલનો કાઠલો પકડી લીધો હતો અને બાદમાં અન્ય બકાલીઓનું ટોળું થઇને એસ્ટેટ ઓફિસર રાવલ ઉપર હુમલો કર્યો હતો. આ ઘટના બન્યા પછી મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ પાથરણાવાળાઓ ઉપર ધોંસ બોલાવા ત્રણેય ઝોનમાંથી જગ્યા રોકાણના સ્ટાફને અને વિજિલન્સ પોલીસની ફોજને આ રોડ પર ઉતારીને વળતો પ્રહાર કર્યો હતો.

રવિવારે જ્યુબિલી શાકમાર્કેટમાં એકંદરે રજા જેવો માહોલ રહેતો હોય એક દિવસ રજા રાખ્યા બાદ સોમવારથી ફરી વળતો પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું હતું. સોમવારે સવારથી જ દર બે-ત્રણ કલાકે ચેકિંગનો રાઉન્ડ લેવામાં આવતો હતો. મનપાનો સ્ટાફ ચેકિંગ કરીને ચાલ્યો જાય એટલે ફરી રોડ પર આવી જવાની ટેવ ધરાવતા ૬૦ જેટલા પાથરણાવાળાઓનો માલસામાન તેમજ ૬૦થી વધુ રેંકડીઓ જપ્ત કરી લેવામાં આવી હતી. જો કે મનપા તંત્રના શક્તિપ્રદર્શનની પાથરણાવાળાઓની શાન ઠેકાણે આવી ગઇ હોય શનિવારની ઘટના બાદ એકપણ છમકલું કરવાની હિંમત કરી નથી.

૭૦૦ કિલોથી વધુ શાકભાજી જપ્ત

જ્યુબિલી રોડને ઝીરો ટોલરન્સ જાહેર કરતાની સાથે જ આ રોડ પરથી જપ્ત થતી રેંકડી-માલસામાન છોડવો નહીં એવો કડક આદેશ મ્યુનિ. કમિશનર નેહરાએ કર્યો છે. સોમવારે રેંકડી ઉપર ૭૦૦ કિલોથી વધુ શાકભાજી જપ્ત કરી અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાઓને આપી દેવામાં આવ્યા હતા.