તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહી રહી ને પણ એસટી અને ખાનગી બસોમાં ટ્રાફિક વધ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાળીચૌદશથી એકાએક ટ્રાફિક વધતા તંત્રને હાશકારો : એસ.ટી.ની આવક ૪૦ લાખને આંબી ગઇ

રાજકોટમાં દિવાળીને લઇને એસ.ટી. તંત્ર અને ખાનગી બસોમાં ધનતેરસ સુધી નહીંવત ટ્રાફિક દેખાતા સંચાલકોને આશ્રર્ય થતું હતું. પરંતુ કાળીચૌદસ શનિવારથી એસ.ટી. અને ખાનગી બસોમાં એકાએક મુસાફરોની ભીડ જામતા તંત્ર, ખાનગી બસના સંચાલકને હાશકારો થયો હતો. એસ.ટી.ની સરેરાશ રોજની આવક ૩૮ લાખ છે જે ૪૦ લાખને આંબી ગઇ છે. એસ.ટી.ના મોટાભાગના રૂટ અને ખાનગીબસોના રૂટ આગામી ચાર પાંચ દિવસ ચિક્કાર ભીડ સાથે જ દોડશે. તેવું જાણવા મળ્યું છે.

સામાન્ય રીતે દર વર્ષે દિવાળીના ચાર- છ દિવસ પહેલા એસ.ટી. તંત્ર ખાનગી બસોમાં ટ્રાફિક જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે ધનતેરસ સુધી બસ ડેપો, ખાનગી બસોમાં જોઇએ તેવો ટ્રાફિક નહીં દેખાતા તંત્ર સંચાલકોને પણ નવાઇ લાગી હતી. જો કે, કાળીચૌદસને શનિવારે એકાએક ભીડ દેખાતા હાશકારો જોવા મળી રહ્યો હતો. એસ.ટી.તંત્રના જણાવ્યા મુજબ અગિયારસ, બારસ સુધીતો એસ.ટી.ની આવક રૂટિનમાં થતી આવક કરતા પણ ઘટી ગઇ હતી. પરંતુ શનિવારે એકાએક ટ્રાફિક નીકળતા આ આવાક રૂટિન આવકને પણ આંબી ગઇ છે. જો આમને આમ લાભ પાંચમ સુધી મુસાફરોનો ધસારો રહેશે તો તંત્રને આવકમાં તગડો ફાયદો થશે. બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ લાંબા અતરમાં ભાડાનો વધારો કર્યો છે. ગુજરાતની અંદરના રૂટોમાં અમુક સંચાલકોએ ૧૦ રૂા.નો વધારો કર્યો હોવાનું જણાય છે. જો કે એસ.ટી. તંત્રે ભાડામાં કોઇ વધારો કર્યો નથી. રાબેતા મુજબ ચાલતા રૂટમાં પણ બસોનો વધારો કર્યો નથી તંત્રના જણાવ્યા પ્રમાણે, જો ટ્રાફિક વધશે, જરૂરિયાત લાગશે તો વધારાની બસો દોડાવીશું.

ઉપરથી આવતી બસો પણ હાઉસફૂલ
રાજકોટથી ઉપડતી એસ.ટી, ખાનગી બસોમાં ટ્રાફિક વધ્યો જ છે પરંતુ ઉપરથી એટલે કે સુરત, અમદાવાદ સહિ‌ત ગ્રામ્ય વિસ્તારમાંથી રાજકોટ આવતી બસો પણ ફૂલે ફૂલ આવી રહી છે.આ ધસારો લાભ પાંચમ સુધી, શાળાનું વેકેશન ચાલુ છે ત્યાં સુધી યથાવત રહેશે તેવું તંત્ર તરફથી જાણવા મળે છે.

કયા કયા રૂટમાં ધસારો
રાજકોટથી સુરત, બરોડા, અમદાવાદ, મુંબઇ , સોમનાથ, જૂનાગઢ, દીવ, અંબાજી, શ્રીનાથજી, આબુ, સહિ‌ત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લોકો દિવાળી કરવા નીકળી પડયા છે. બીજી તરફ સુરત, અમદાવાદ, બરોડા, દાહોદ, ગોધરા તરફથી રાજકોટ સહિ‌ત સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે.