કોઠારિયાના મહિલા તલાટીમંત્રી સહિત બે લાંચ લેતાં ઝડપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લગ્નનોંધણીનું પ્રમાણપત્ર કાઢી આપવા માટે આચાર્ય પાસે બે હજારની લાંચ માગી હતી : તલાટી વતી લાંચ સ્વીકારનાર રોજમદારની પણ ધરપકડ

કોઠારિયા ગ્રામ પંચાયતના મહિલા તલાટી કમ મંત્રી મમતાબેન રાજુભાઇ ચૌહાણ અને રોજમદાર આજે બે હજારની લાંચ લેતી વેળા લાંચ રૂશ્વત વિરોધી શાખાના છટકામાં આબાદ સપડાઇ જતાં ભારે ચકચાર જાગી છે. લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર આપવા તલાટીએ લાંચ માગી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં અંકુરનગરમાં રહેતા અને જસદણના કુંદણી ગામે સરકારી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જતિનભાઇ મહેન્દ્રભાઇ ચાવડાએ લગ્નનું નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે કોઠારિયા ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. તલાટી કમ મંત્રી મમતાબેન રાજુભાઇ ચૌહાણે (રે. સાધુવાસવાણી રોડ, રાજકોટ) પ્રમાણપત્ર કાઢી આપવા માટે લાંચની માગણી કરી હતી. અને બે હજારમાં વહીવટ નક્કી થયો હતો. ત્યાર બાદ આચાર્ય જતિનભાઇએ લાંચની માગણી કરના તલાટી મંત્રી સામે એ.સી.બી.માં ફરિયાદ આપી હતી.

ફરિયાદના આધારે એસીબીના અધિકારી પી.એ.ઝાલાએ તલાટીને સપડાવવા છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ આચાર્ય જતીનભાઇ ચાવડા આજે સાંજે કોઠારિયા ગ્રામ પંચાયતની કચેરીએ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર લેવા ગયા હતા. તેમણે તલાટી મંત્રી મમતાબેન રાજુભાઇ ચૌહાણનો સંપર્ક કરીને લાંચ પેટે બે હજાર રૂપિયા આપ્યા હતા.

તલાટી કમ મંત્રી મમતાબેન ચૌહાણે લાંચની રકમ કચેરીમાં રોજમદાર તરીકે કામ કરતા તુષાર રૈયાણીને આપવા કહ્યું હતું. અને તલાટી વતી રોજમદાર તુષાર રૈયાણીએ લાંચની રકમ સ્વીકારી તે સાથે જ વોચમાં ગોઠવાયેલા અધિકારી સહિતના સ્ટાફે તલાટી અને રોજમદારને રંગે હાથ ઝડપી લીધા હતા.