વહેલી સવારે ત્રણેય યુવાનની લાશ થાનગઢ લઇ જવાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાજ્યના મંત્રીઓ અને ભાજપના દલિત આગેવાનોની મધ્યસ્થીથી લાશ સ્વીકારાઇ થાનગઢમાં પોલીસ ફાયરિંગમાં ત્રણ-ત્રણ દલિત યુવાનોનાં મોતથી દલિત સમાજમાં ઘેરા પડઘા પડ્યા હતા. અને ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાનો એક તબ્બકે નિર્ણય લેવાયો હતો. પરંતુ રાજ્યના મંત્રીઓ અને ભાજપના દલિત આગેવાનોએ ન્યાય અપાવવાની ખાતરી આપી મામલો થાળે પાડતાં સોમવારે વહેલી સવારે ત્રણેય યુવાનોની લાશને રાજકોટથી થાનગઢ લઇ જવાઇ હતી. થાનગઢમાં શનિવારે અને રવિવારે થયેલા પોલીસ ફાયરિંગમાં દલિત યુવાનો પંકજ અમરશીભાઇ સુમરા (ઉ.વ.૧૮), પ્રકાશ બાબુભાઇ પરમાર (ઉ.વ.૨૬) અને મેહુલ વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૧૮)ને ગંભીર ઇજા થતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને ત્રણેય યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નીપજતા ખળભળાટ મચી ગયો હતો. ત્રણ-ત્રણ યુવાનોને પોલીસે ફૂંકી મારતા દલિત સમાજમાં ઘેરા પડઘા પડ્યા હતા. અને રાજ્ય સરકાર સામે લડતનું રણિંશગું ફૂંકવામાં આવ્યું હતું. અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધવા અને ગૃહ પ્રધાનના રાજીનામાની પણ માગ ઉઠી હતી. દલિત સમાજનો આક્રોશ અને ઘટનાને પગલે રાજકીય પક્ષોની સક્રિયતા જોતા રાજ્ય સરકાર ખળભળી ઊઠી હતી. ટનાને પગલે રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ફકીરભાઇ વાઘેલા, શિક્ષણ વિભાગના મંત્રી રમણભાઇ વોરા, દશાડા પાટડી બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા રાજકોટ દોડી આવ્યા હતા. અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા સહિતના દલિત સમાજના આગેવાનો મૃતકના પરિવારજનો અને સ્નેહીઓને મળ્યા હતા. અને ઘટનાને વખોડી કાઢી રાજ્ય સરકાર આ બાબતને ગંભીરતાથી લઇ રહી હોવાની હૈયાધારણા આપી હતી. અને ફાયરિંગ કરનાર ફોજદારને તાકીદે સસ્પેન્ડ કરવાની અને મૃતકોના પરિવારને આર્થિક મદદની ખાતરી આપી ઘટનાની જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે તપાસની ખાતરી આપી હતી. અને લાશ સ્વીકારી મૃતકોની અંતિમ વિધિ કરવા અપીલ કરી હતી. રાજકીય આગેવાનોની અપીલને દલિત સમાજે સ્વીકારી હતી. અને સોમવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ત્રણેય યુવાનોની લાશને રાજકોટ હોસ્પિટલથી થાનગઢ લઇ જવાઇ હતી. જોકે ઘટનાને પગલે રોષે ભરાયેલા કેટલાક દલિત આગેવાનોએ સમાજના લોકોની હાજરીમાં સોમવારે સવારે હોસ્પિટલ ચોકમાં ડૉ.આંબેડકરના સ્ટેચ્યુ પાસે ધરણા કરી ઘટનાની સીબીઆઇ તપાસ સહિતની માગને દોહરાવી હતી.